વર્ષ 2022 આમ તો કોરોના કાળના કપરા સમય બાદ આ વર્ષ ધંધા-રોજગારથી લઇ તમામ માટે સારું સાથર્ક થશે તેવી આશ દેશના ખૂણે-ખૂણે વસતા લોકોએ રાખી હતી. વર્ષની શરૂઆત સાથે જ કોરોના જેવી મહામારી અને લોકડાઉન જેવા કપળા સમયને લોકોએ ભુલાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. 2022 નો અંત અને 2023 નો પ્રારંભ કરવા લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે, તેવામાં વર્ષ દરમિયાન કહી ખુશી કહી ગમ જેવો માહોલ પણ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લામાં પણ 2022 નું આખું વર્ષ જનતા માટે ભાગદોડ ભર્યું રહ્યુ હતું, કોરોના મહામારી બાદ લોકોએ આ વર્ષ સારી રીતે પસાર થાય માટેના તમામ પ્રયાસો સાથે વર્ષની શરૂઆત કરી હતી, જિલ્લામાં જ્યાં એક તરફ શાંતિપૂર્ણ માહોલમાં તમામ ધર્મના તહેવાર પૂર્ણ થયા તો બીજી તરફ અનેક એવી દુઃખદ અને ચર્ચાસ્પદ ઘટનાઓનું પણ નિર્માણ થયું જે આજે પણ કેટલાય પરિવારો માટે ગમગિની ભર્યા જીવન સમાન બની છે.
ભરૂચ જિલ્લામાં 2022 ના વર્ષ દરમિયાન અકસ્માતની પણ અનેક ઘટનાઓ બની ચુકી છે, જેમાં પણ ખાસ કરી પરિવારોથી લઈ નાના બાળકો સહિતના સ્વજનો ગુમાવવાનો વારો અનેક પરિવારજનોને આવ્યો હતો, જેમાં વાત કરીએ તો નેત્રંગના બલદવા ડેમ ખાતે કાળ ખાબકી જતા મહિલા તલાટી સહિત પતિ અને બાળકનું મોત તેમજ નેશનલ હાઇવે ૪૮ ઉપર પાલેજથી પાનોલી વચ્ચે ચાલુ વર્ષે ૭૦ થી વધુ લોકોના મોત હાઇવે વિસ્તારમાં પ્રાથમિક જાણકારી મુજબ બન્યા છે, તેમજ રેલવેની હદ વિસ્તારમાં પણ ટ્રેનની અડફેટે તેમજ આકસ્મિત રીતે સર્જાયેલ ઘટનાઓમાં પણ ૫૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ સર્જાઈ હતી.
વર્ષ ૨૦૨૨ માં ઔધોગિક એકમોમાં પણ અનેક દુર્ઘટનાઓ સર્જાઈ ચુકી છે, જેમાં ખાસ કરી અંકલેશ્વર-અને દહેજ પંથક લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. દહેજ પંથકમાં આવેલ લખી ગામ ખાતેની રોહા ડાઈકેમ કંપનીની વિકરાળ આગ પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી, તો અંકલેશ્વરમાં પણ અનેક ઉધોગો-ભંગારના ગોડાઉનોમાં લાગેલ ભીષણ આગથી ફાયર વિભાગ સતત દોડતું જોવા મળ્યું હતું, તેમજ ઝઘડિયા જીઆઇડીસીમાં પણ કેટલાક ઉધોગોમાં ચાલુ વર્ષે આગ લાગવાની ઘટનાઓ સર્જાઈ ચુકી છે.
નર્મદા નદીના કાંઠે આવેલા ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન નદીમાં પુરની આફત પણ તારાજી સર્જતી હોય છે, ત્યારે વર્ષ ૨૦૨૨ દરમિયાન પણ કંઇક આજ નજારો ભરૂચ જિલ્લાની જનતાને જોવા મળ્યો હતો.
સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલવામાં આવતા ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ તેની ભયજનક ૨૪ ફૂટની સપાટી વટાવી બંને કાંઠે વહેતી થતા નદી કાંઠાના વિસ્તારોમાં પુર જેવી આફત સર્જાઈ હતી, જેને પગલે ભરૂચ-અંકલેશ્વર કાંઠે વસતા અનેક પરિવારોને પોતાનો અશિયાનો છોડવા મજબુર બનવું પડ્યું હતું તો કેટલાય ખેડૂતોના ખેતરમાં પાણી પ્રવેશી જતા શાકભાજી, કેળ સહિતના ઉભા પાકને વ્યાપક નુકશાની પણ થઇ હતી.
ભરૂચ જિલ્લામાં ક્રાઇમની ઘટનાઓ પણ ચાલુ વર્ષે ચર્ચાસ્પદ રહી હતી, જેમાં ખાસ કરી દારૂ-જુગાર તેમજ હત્યા અને દુષ્કર્મ જેવા ગુન્હા ઓ મોટા પ્રમાણમાં સામે આવ્યા હતા, તો અંકલેશ્વરની એક બાળકીની ગુમ થયા અંગેની તપાસ તો છે કે સીબીઆઇ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું હતું, ક્યાંક પતિએ પત્નીની હત્યા કરી તો ક્યાંક સામાન્ય બાબતને લઇ હત્યાની ઘટનાઓ સર્જાઈ હતી, જિલ્લામાં ચાલું વર્ષે પણ લાખોનો ભારતીય બનાવટનો શરાબનો જથ્થો ઝડપાયો હતો, જેમાં પણ ખાસ કરીને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન મોટી માત્રામાં પોલીસ વિભાગે શરાબના જથ્થા ઝડપી પાડી અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા હતા, તો બરવાળા લઠ્ઠાકાંડ બાદ જિલ્લામાં એસ.પી ડો.લીના પાટીલના સાનિધ્યમાં અનેક સ્થળે પોલીસ વિભાગે નશાના વેપલાઓ ઉપર સફળ દરોડા પાડયા હતા.
ભરૂચ જીલ્લો એમ.ડી ડ્રગ્સ મામલે પણ વર્ષના મધ્યે ચર્ચાનું કેન્દ્ર સ્થાન રહ્યો હતો, જ્યાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ, એ.ટી.એસ સહિતના પોલીસ વિભાગ દ્વારા પાનોલી ખાતેની ઇન્ટર મિડિયેટ કંપની ખાતે દરોડા પાડી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, તેમજ ભરૂચ શહેરમાંથી પણ અનેક સફળ દરોડાઓમાં ગાંજો અને ડ્રગ્સ જેવી નશાના કારોબાર ઉપર પોલીસ ત્રાટકી અનેક ચમરબંદીઓને જેલના સળિયા ગણતા કર્યા હતા, તો અંકલેશ્વરમાં યુનિયન બેન્કમાં લાખોની લૂંટ જેવી ઘટનાઓના ભેદ પોલીસ કર્મીઓએ જીવના જોખમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખી ગુનેગારોમાં કડક સંદેશો વહેતો મુક્યો હતો.
૨૦૨૨ ના વર્ષ દરમિયાન ભરૂચ જિલ્લામાં નવા અધિકારીઓની પણ એન્ટ્રી થઇ હતી, જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલ તો જિલ્લા કલેક્ટર તરીકે તુષાર સુમેરાની નિમણુંક થઇ હતી, તેમજ જિલ્લા પોલીસ વિભાગના ડી.વાય.એસ.પી અને એ.એસ.પી અધિકારીઓની બઢતી અને બદલીઓ પણ જોવા મળી હતી, સાથે જ જિલ્લાના કલેક્ટર વિભાગ, ડિઝાસ્ટર વિભાગ, પોલીસ વિભાગ, એસ.ડી.એમ સહિતના વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓએ નર્મદા નદીમાં પુર જેવી આફત સામે પહોંચી વળવા માટે ખડે પગે પોતાની ફરજ નિભાવી હોવાનું પણ સામે આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષ પશુઓ માટે પણ આફત સમાન હોય તેમ સામે આવ્યું હતું, જ્યાં જિલ્લામાં લંપી વાયરસને પગલે પાંજરાપોળ ખાતે પશુઓના મોત થયા હતા જે બાદ તંત્ર દ્વારા લંપી વાયરસને કાબુમાં લેવા રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું, તો જિલ્લામાં બિલાડી, શ્વાન સહિત પંખીઓના મોતનું પ્રમાણ પણ ગત વર્ષોની સરખામણીએ વધુ જોવા મળ્યું હતું, તેમજ ચીન સહિતના દેશોમાં કોરોનાના વધતા કેસો મામલે પણ ભરૂચ જિલ્લાનું તંત્ર સતર્ક થયું હતું, અને જિલ્લામાં સંભવિત કોરોનાના કેસો આવે તે બાબતે આગોતરું આયોજન હાથધરી તૈયારીઓ શરૂ કરી હતી.
ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની પણ મોસમ જિલ્લાની જનતાએ જોઈ હતી, જેમાં પણ વર્ષના છેલ્લા ત્રણ મહિના સભાઓ રેલીઓ સહિત રાજકીયમય માહોલ વચ્ચે જોવા મળ્યું હતું, જ્યાં ભરૂચ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હતો, ચૂંટણી દરમિયાન જ્યાં અંકલેશ્વર બેઠક ઉપર બે સગાભાઈ આમને સામને હતા તો ઝઘડિયા બેઠક પર પિતા પુત્ર આમને સામને થયા હોવાના રાજકીય સીનારીયા સર્જાયા હતા, જેમાં પણ ખાસ કરી સતત સાત ટર્મથી અપક્ષ તરીકે જીતતા છોટુ વસાવાની કારમી હાર અને કોંગ્રેસની જિલ્લામાં રહેલી એક માત્ર જંબુસર બેઠક પરની હાર પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી હતી, તો રાજકીય દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી માટે ૨૦૨૨ નું વર્ષ ખૂબ સારું રહ્યું હતું.
ભરૂચ જીલ્લો જ્યાં એક તરફ ચાલુ વર્ષે આફતો વચ્ચેથી પસાર થયો તો બીજી તરફ તહેવારોમાં પણ હર્ષોલ્લાસ સાથે લોકોએ ભાગ લીધો હતો. નવરાત્રી, દિવાળી, ઇદ ઉલ ફિત્ર, જન્માષ્ટમી, ઇદે મિલાદ, મોહરમ, મેઘરાજાનો મેળો, ગુરુનાનક જયંતિ સહિત ક્રિસમસ જેવા તહેવારો પણ શાંતિપૂર્ણ માહોલમાં લોકોએ ઉજવ્યા હતા તેમજ દેશ-દુનિયામાં શાંતિ અને અમન સાથે ભાઇચારો બની રહે જેવી બાબતો અંગે પ્રાર્થનાઓ દુઆઓ અને પુજા અર્ચન પણ કરવામાં આવ્યા હોય તેમ જોવા મળ્યું હતું. તો ભરૂચ જિલ્લામાં સામાજિક એક્ટિવિટી પણ ચર્ચાનું કેન્દ્ર સ્થાન ચાલુ વર્ષે રહી હતી, જ્યાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ખાતે પ્રથમવાર ૨૧ જૂન વિશ્વયોગા દિવસે સમગ્ર પુલના માર્ગ પર અનેક લોકોએ માનવતા માટે યોગા થીમ પર યોગા કર્યા હતા
તો ભરૂચના પોલીસ હેડ કવોટર્સ ખાતે પ્રથમવાર પોલીસ વિભાગના એસ.પી ડો લીના પાટીલ દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવતા અનેક લોકોએ ભાઇચારા ભર્યા માહોલમાં નવરાત્રીની રમઝટ જમાવી હતી.
આમ વર્ષ ૨૦૨૨ ભરૂચ જિલ્લામાં કેટલાય પરિવારો માટે આનંદ સમાન પસાર થયો તો કેટલાય પરિવારો માટે દુઃખદ ઘટનાઓની જેમ પસાર થયો હોવાનું જાણવા મળ્યું છે, તેવામાં આગામી ૨૦૨૩ ના વર્ષને આવકારવા લોકો હવે થનગની રહ્યા છે, અને આગામી વર્ષ પણ તમામ લોકો માટે સુખદ સાબિત નીવડે તેવી પ્રાર્થનાઓ સાથે લોકો આગવું વર્ષ આવકારવા લોકોએ તત્પરતા દર્શાવી છે.