ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો સુધરવાનું નામ ન લઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં શરાબ, ગાંજા બાદ હવે ડ્રગ્સનું નેટવર્ક પણ ચાલુ વર્ષમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે, તેવામાં વધુ એકવાર ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ જેટલા કેરિયર ઝડપાઇ જતા ભારે ખળભળાટ મચ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આશરે ૧૫ એક દિવસ ઉપરાંત મુંબઈના તારીક ઉર્ફે સોનુ પાસેથી કામરેજ ટોલપ્લાઝા નજીક થી એમ.ડી (મેફેડ્રોન ડ્રગ્સ)નો જથ્થો રાખી તેને ભરૂચના બાવા રેહાન દરગાહ પાસે પહોંચાડવામાં આવી રહ્યો હતો દરમિયાન પોલીસ વિભાગને મળેલ બાતમીના આધારે દરોડા પાડી ત્રણ જેટલા કેરિયરની ધરપકડ કરતા ભારે ચકચાર મચી છે.
પોલીસે મામલે (૧) ઇલિયાસ અલી હુસેન મલેક રહે,દેરોલ નવી નગરી,ભરૂચ (૨ )સહેજાદ દાઉદ રાજ રહે,મદીના પાર્ક સોસાયટી,ભરૂચ તેમજ (૩) સલાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન અહમદ ઇશા પટેલ રહે,કૌશર પાર્ક બાવા રેહાન નગર ભરૂચ નાઓને ઝડપી પાડી તમામ પાસેથી સ્વીફ્ટ ગાડી તેમજ મોટરસાયકલ સહિત મળી કુલ ૧૦,૧૫,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
હાલ પોલીસે FSL ટિમની મદદથી ડ્રગ્સનો જથ્થો સિઝ કરી ભરૂચ બી ડિવિઝન પોલીસે ત્રણ જેટલા કેરિયરની ધરપકડ કરી મામલે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ