ફાઈલ ફોટો-ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં ભાજપનો કાર્યકર રાજકીય પીઠબળ સાથે જુગારનો અડ્ડો ચલાવતો હતો પણ હવે પોલીસે તેના ફરતેનો ગાળિયો કસ્યો છે. મંગળવારે પોલીસ ટુકડી પર હુમલાના પ્રકરણમાં બિલાલ અને તેના સાગરિતોના ટોળા સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટોળાના હુમલામાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. ઘટનાના બે દિવસ બાદ પણ બિલાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા તેના આશ્રયસ્થાનો પર છાપા મારવામાં આવી રહયાં છે.
ભરુચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના સીધી સુચનાથી ટંકારીયા ગામે ધમધમતા બિલાલ વલી ઉર્ફે ભીખા લાલનના જુગારના અડ્ડા પર પોલીસે મંગળવારે સાંજે દરોડો પાડયો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન મારક હથિયારો સાથે ધસી આવેલા ટોળાએ હુમલો કરતાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. પોલીસે ટોળાને વિખેરવા હવામાં એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
ભાજપના કાર્યકર અને રાજકિય પિઠબળ ધરાવતો બિલાલ વલી ઉર્ફે ભીખા લાલન તેમજ તેના સાગરિતો ઇનાયત વલી ઉર્ફ ભીખા લાલન, મોહસીન ઇનાયત વલી લાલન, ઇકરામ ઇનાયત લાલન અને ઇમ્તિયાઝ ઇસ્માઇલ દશુ સહિતના ટોળા સામે પોલીસે ગાળિયો મજબુત બનાવ્યો છે.
ટોળાએ પીએસઆઇ વી. એલ. ગાગીયાને નીચે પાડી દઇ તેમનું ગળુ દબાવી જાનથી મારી નાંખવાની કોશિષ કરી હતી. જેના પગલે પોલીસે બિલાલ તેમજ તેના સાગરિતો તેમજ ટોળા સામે ધિંગાણુ, પોલીસ કામગીરીની અડચણ કરવી તેમજ હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બિલાલ અને તેના સાગરિતોને પકડવા ટીમો બનાવાઇ
ટંકારિયા ગામે જુગારનો અડ્ડો ચલાવતાં બિલાલ લાલન તેમજ જુગારના ધંધામાં તેને સાથે આપનારો તેનો ભાઇ ઇનાયત લાલન, ભત્રીજો મોહસિન ઇનાયત લાલન, તેમજ ઇમ્તિયાઝ ઇસ્માઇલ દશુ સહિતના આરોપીઓ હજી પોલીસ પકડથી દુર છે. એક તરફ પોલીસે આરોપીઅોને જેર કરવા માટે તેમજ ગામમાં વાતાવરણ ડહોળાય નહીં તે માટે ગામમાં પોલીસનો બંદોબસ્ત યથાવત છે. ત્યારે કુખ્યાત બિલાલ અને તેના સાગરિતો રફુચક્કર થઇ ગયાં હોઇ તેમના સગડ મેળવવા માટે પોલીસે તમામ પ્રયાસો શરૂ કર્યાં છે. પોલીસે આરોપીઓને શોધવા માટે એલસીબી તેમજ સ્થાનિક પોલીસની વિવિધ ટીમો બનાવી અગલ અગલ વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે.