ભરૂચ તાલુકાના સેગવા ખાતે સ્પોર્ટસ ક્લબ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં લુવારા અને સિતપોણની ટીમો વચ્ચે મુકાબલો યોજાયો હતો. ટુર્નામેન્ટના પ્રારંભે રાષ્ટ્રગીત રજુ કરાયું હતું. ત્યારબાદ ગામના યુવાન સરફરાઝ બનુએ ટોસ ઉછાળ્યો હતો. સિતપોણની ટીમે ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ લુવારાની ટીમને આપી હતી. પ્રથમ બેટિંગ કરી રહેલી લુવારા ટીમના બેટ્સમેનોને શાનદાર ફટકાબાજી કરી ૧૨ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૧૫૨ રનનો જંગી જુમલો ખડક્યો હતો.
જંગી જુમલાને આંબવા મેદાને પડેલી સિતપોણની ટીમે ૧૧.૩ ઓવરમાં ૧૫૨ રન ચેસ કરી પાંચ વિકેટે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. આયોજિત ટુર્નામેન્ટની ફાઇનલમાં ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય મલંગ ખાન પઠાણ, પુર્વ સરપંચ ગુલામ ભાઈ નાથા, વિદેશથી પધારેલા મુસ્તાક નાથા, મજીદ ધુરત ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ટીમને જિલ્લા પંચાયત સદસ્ય મલંગખાં પઠાણના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે રનર અપ ટીમને સલીમ ભાઈ નાથાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બેસ્ટ બોલરને પર મજીદ ભાઈ ધૂરતના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથે સાથે મેન ઓફ ધ મેચ તેમજ મેન ઓફ ધ સિરીઝ ટ્રોફી અર્પણ કરાઇ હતી. ફાઈનલ મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ ઉમટી પડ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ