ભરૂચ જિલ્લામાંથી ટ્રાફિક નામનું ગ્રહણ હટવાનું નામ ના લેતું હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં પહેલ નેશનલ હાઇવે પરના સરદાર બ્રિજ પર ટ્રાફિક જામની વિકટ સમસ્યા હતી જે સમસ્યાનો વર્ષો બાદ કેબલ બ્રિજના નિર્માણ થકી અંત આવ્યો હતો, જોકે હવે એ જ પ્રકારની સમસ્યા શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં જોવા મળી રહી છે.
ભરૂચ-દહેજ માર્ગ પર આવેલ શ્રવણ ચોકડી વિસ્તારમાં દિવસ દરમિયાન સવારે અને સાંજે વાહનોનું પ્રમાણ વધવાના કારણે વિસ્તારમાં ભારે ચક્કાજામ જેવી સ્થિતિનું સર્જન થતું હોય છે. શ્રવણ ચોકડીથી મઢુલી સર્કલ અને શેરપુરા રોડ તરફના કિલોમીટરો સુધીના અંતરમાં અનેક વાહનો ટ્રાફિકના કારણે ફસાતા હોવાની ઘટના અવારનવાર સામે આવી રહી છે.
ઔધોગિક એકમો ધરાવતા દહેજ ખાતે કંપનીના કર્મચારીઓને લેવા આવતી લકઝરી બસના ચાલકો અને માલ વહન કરતા મસમોટા ટ્રકો રોડની સાઇડ ઉપર ગમ્મે ત્યાં ઉભા થઈ જતા હોવાના કારણે આ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આ અંગે કોઇ નક્કર કામગીરી કરી અવારનવાર સર્જાતી આ પ્રકારની ટ્રાફિકની સ્થિતિમાંથી લોકોને છૂટકારો મળે તે અંગે યોગ્ય પગલા ભરવા જરૂરી જણાઇ રહ્યું છે.
હારુન પટેલ : ભરુચ