ભરૂચ-વાગરા તાલુકામાં આવેલાં અંભેટા ગામે આવેલી ગુજરાત ફ્લોરા કેમિકલ્સ કંપનીમાં ફરજ બજાવતાં ચાર કર્મચારીઓને નોકરીમાં બદલીના બહાને છુટા કરી દેવામાં આવ્યાં હોવાના અાક્ષેપ સાથે કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યાં હતાં. દહેજ ઔદ્યોગિક કામદાર સંઘના નેજા હેઠળ કંપનીના ગેટ સામે કર્મચારીઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકામાં આવેલાં અંભેટા ગામની ગુજરાત ફ્લોરો કંપનીમાં ફરજ બજાવતાં ભાવેશ આઇ. ગોહિલ, સુરેન્દ્રસિંહ ડી. ચાવડા, દેવેન્દ્ર છીતુ પટેલ તેમજ અક્ષય પ્રભાકર આરેકરને કંપનીએ બદલીના હેઠળ નોકરી પરથી છુટા કરી દેવામાં આવ્યાં હતાં. જેના પગલે દહેજ ઔદ્યોગિક કામદાર સંઘ દ્વારા કંપની સંચાલકોને છુટા કરાયેલાં કર્મચારીઓને ન્યાય આપવા માટે વારંવાર રજૂઆતો કરી હતી. તેમ છતાં કંપની દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી નહીં કરાતાં આખરે સંઘ દ્વારા કંપનીના ગેટ સામે પ્રતિક ઉપવાસ આંદોલન છેડ્યું છે. કંપનીના ગેટ સામે છુટા કરાયેલાં કર્મચારીઓ તેમજ સંગઠનના આગેવાનો સહિતના લોકોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધીગઇકાલથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલશે તેમ જણાવ્યું હતું.
અંભેટા ગામે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીના ગેટ સામે 4 કર્મચારીઓની બદલીના મામલે કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યાં હતાં.