ભરૂચ જિલ્લામાં બેફામ બનવા તરફ જઇ રહેલા નશાનો વેપલો કરતા તત્વોની તમામ કરતૂતોનો અંત લાવવા જિલ્લા પોલીસ વિભાગ એક્શન મૉડમાં જોવા મળી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા એક માસમાં અનેક સ્થળે દરોડા પાડી દારૂ, જુગાર જેવા ગુનાહિત કૃત્યને અંજામ આપતા તત્વોને પોલીસ વિભાગે જેલના સળિયા ગણતા કર્યા છે, તેવામાં હવે વધુ એક નશાનો વેપલો સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચની ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં બે ઇસમોને પકડી તેઓની તલાશી લેતા તેઓ પાસેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના સર્ચમાં ઝડપાયેલ બંને ઈસમો પાસેથી ૧ કિલો ૦૩૯ ગ્રામ જેટલો ચરસનો જથ્થો જેની કિંમત ૧,૫૫,૮૫૦ ના મુદ્દામાલને કબ્જે કર્યો હતો.
એસ.ઓ.જી પોલીસે મામલે ભાવેશ ઉર્ફે કાલુ રમેશભાઈ વસાવા રહે.વડવાળું ફળિયું, ઝાડેશ્વર તેમજ ભૌમિક ઉર્ફે એલિયન પરેશભાઈ શાહ રહે,અમીન ડેલો ઝાડેશ્વર નાઓને ઝડપી પાડી બંને ઈસમો પાસેથી ચરસનો જથ્થો, મોટરસાયકલ તેમજ મોબાઇલ મળી કુલ ૩,૧૭,૮૫૦ નો મુદ્દામાલનો કબ્જો લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.