શિયાળો આવે ત્યારે પૌષ્ટિક ગરમ પોંક ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. દક્ષિણ ગુજરાતમાં શિયાળો જામી ગયો છે અને સાથે જ લોકો જેની આતુરતાથી રાહ જોઇને બેઠા હતા એ પોંકનું પણ ભરૂચ જિલ્લામાં આગમન થઇ ચૂક્યું છે.
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પોંકનું ભરુચ જિલ્લામાં આગમન થયું છે, ભરૂચ જિલ્લાના શહેરી વિસ્તાર અને હાઇવે ઉપર પોંકનું વેચાણ શરૂ થયું છે. દક્ષિણ ગુજરાતમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પોંકનું વેચાણ થાય છે. ખાસ ભરુચ જિલ્લામાં જુવારના પાકમાંથી આ પોંક તૈયાર થાય છે, આ વખતે આ પોંકનો ભાવ કિલોના રૂપિયા 480 છે, જેમજેમ ઠંડીનો ચમકારો તેમતેમ તેના ભાવો પણ વધી રહ્યા છે. ભરુચ જિલ્લામાં આ પોંકની દુકાનની સંખ્યા પણ વધી જશે. પોંક ખાવા માટે ભરૂચીઓ એક વર્ષ સુધી રાહ જોતા હોય છે.
જુવારના દંડાને કાપી તેને ભઠ્ઠીમાં નજીવી ગરમી અપાતા જ પોંક તૈયાર થઈ જાય છે. જુવારના દુન્ડામાંથી પોંકનો દારો વેડફાઈ ન જાય તે માટે એક કાપડની મોટી કોથળીમાં તેને એક લાકડી વડે જાટકવામાં આવે છે, તેથી દાણા કોથણીમાં એકઠા થાય છે, પોંકના દાણાને સુપડાથી અલગ ટાળવી તેનું વેચાણ કરવામાં આવે છે. કોરોના મહામારીને લઈ ગત સિઝનમાં પોંક સેન્ટરો ઉપર પૂરતા પ્રમાણમાં ગ્રાહકો ન આવતા હતા જેથી પોંકના વેપારીઓમાં મુંઝવણ ઉભી હતી, જોકે આ સિઝનમાં માર્કેટ રાબેતા મુજબ હોવાથી વેપારીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે અને શહેરી વિસ્તારોમાં હાલ તો શિયાળાની શીત લહેર વચ્ચે મરી મસાલાથી ભરપૂર અને ઉપરથી લીંબુના નિચોર સાથે ચટાકેદાર સુરતી વાણીના પોંકની લિજ્જત ભરૂચિઓ માણી રહ્યા છે. ઠેરઠેર પોંક સેન્ટરો પર સવારથી જ નાસ્તા સ્વરૂપે ઠંડીના ચમકારા વચ્ચે પોંકની વાનગી આરોગી ભરૂચિઓ સ્વસ્થ અને તંદુરસ્ત મન સાથે પોતાના દિવસની શરૂઆત કરી રહ્યા છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744