ઔધોગિક એકમોથી ભરપુર એવા ભરૂચ જિલ્લામાં અવારનવાર એકમોમાં આગ લાગવાની બાબતો સામે આવતી હોય છે,જિલ્લાના દહેજ, અંકલેશ્વર,સહિત ઝઘડિયા જેવા વિસ્તારોમાં આવેલ કંપનીઓમાં આગ લાગવાની બાબત જાણે કે છેલ્લા બે માસથી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે, જેમાં વધુ એક ઘટના દહેજ ખાતેથી સામે આવી છે.
ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આવેલ કેમોકસ ફાર્મા કંપનીમાં સાંજના સમયે અચાનક બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. આગની જ્વાળાઓ વચ્ચે તમામ કર્મચારીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા,તો બીજી તરફ ઘટના અંગેની જાણ નજીકના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરો એ તાત્કાલિક સ્થળ પર દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી તેની કાબુમાં લીધી હતી.
અચાનક કંપનીમાં લાગેલ આગના પગલે એક સમયે કર્મીઓ સહિત સ્થાનિકોમમાં દોડધામ મચી હતી. આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધીમાં દેખાઈ દેતા આસપાસના લોકોમાં જીવ પણ ટાળવે ચોટ્યા હતા જોકે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાતા ઉપસ્થિત તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હારુન પટેલ : ભરૂચ