ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ કેન્દ્રિય મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખીને નર્મદામાં આડેધડ નિયમ વિરુધ્ધ થતું રેત ખનન અટકાવવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા સહિતના વિસ્તારમાંથી વહેતી નર્મદા નદીમાં પાછલા લાંબા સમયથી આડેધડ થઇ રહેલા રેત ખનનનો વિવાદ જોવા મળે છે. આ અંગે સાંસદ મનસુખભાઇ વસાવાએ કેન્દ્રિય મંત્રાલયમાં રજુઆત કરતા જણાવ્યું હતુંકે ગુજરાતમાં નર્મદા નદીનું આધ્યાત્મિક રીતે મોટું મહત્વ રહેલું છે. રેત માફિયાઓ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને ૨૫ થી ૩૦ ફુટ જેટલી ઉંડાઇ સુધી મશીનો દ્વારા રેત ખનન કરે છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી નદીની આસપાસના નાનામોટા છોડ તેમજ વૃક્ષોને નુકશાન થાય છે. રેત ખનનના કારણે થતાં ખાડાઓમાં કેટલાય લોકો ડુબી ગયા હોવાની ઘટનાઓ પણ બની છે. રેતી વાહક કેટલાય વાહનો રોયલ્ટી ભર્યા વિના તેજ રફતારથી દોડતા હોય છે, તેના કારણે ઘણીવાર જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે. રેત માફિયાઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી નદીના બન્ને કાંઠાઓની આસપાસના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રજુઆતમાં વધુમાં જણાવાયું હતું કે નિયમ વિરુધ્ધના રેત ખનન બાબતે સંસદમાં પણ રજુઆત કરવામાં આવી હતી. રેત માફિયાઓની મોટા રાજકીય નેતાઓ સાથે મિલીભગત હોવાના કારણે અધિકારીઓ આ બાબતે કોઇ પગલા લઇ શકતા નથી, એમ પણ રજુઆતમાં સાંસદ દ્વારા જણાવાયું હતું. તેમજ કોઇવાર માત્ર દેખાવ પુરતા પગલા લેવાતા હોવાનું પણ જણાવ્યું હતું. ગેરકાયદેસર રેત ખનન બાબતે તાત્કાલિક કડક પગલા ભરાય એવી પત્રમાં સાંસદે માંગ કરી હતી. રજુઆતની નકલ રાજ્યના મુખ્ય સચિવ તેમજ જળ સંપત્તિ સચિવને પણ મોકલવામાં આવી હતી. સાંસદ મનસુખભાઇ વસાવાએ નર્મદાના પટમાં આડેધડ થઇ રહેલ રેત ખનન બાબતે લાલ આંખ કરતા હવે સંબંધિત તંત્ર પણ દોડતુ થશે એમ જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ