ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આજે સવારથી શરૂ થઇ હતી. રાજ્યની તમામ ૧૮૨ બેઠકો ઉપર શરુઆત રસાકસી ભર્યા અંદાજમાં થઈ હતી, જોકે ગણતરીના સમયમાં ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના ઉમેદવારો જંગી લીડ સાથે આગળ ચાલતા નજરે પડ્યા હતા, જેમ જેમ રાઉન્ડ બદલાતા ગયા તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ મત ગણતરી કેન્દ્રો બહાર જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચની તમામ પાંચ બેઠકો ઉપર મોદી મેજીક ચાલ્યો હતો, જેમાં ખાસ કરી ભરૂચ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઇ મિસ્ત્રીએ ૬૦ હજાર કરતા વધુ મતોથી પોતાની જીત હાંસિલ કરી હતી, તો ઝઘડિયા,જંબુસર બેઠક પણ ભાજપે કબ્જે કરી વિરોધીઓના હોશ ઉડાવી મુક્યા હતા. છોટુ વસાવાનું ગઢ ગણાતી ઝઘડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાએ જંગી જીત મેળવી ઝઘડિયા મતવિસ્તારમાં છોટુ વસાવા શાસનનો અંત લાવ્યો હતો, તો બીજી તરફ જંબુસર બેઠકના પરિણામોએ પણ સૌ કોઇને ચોંકાવી મુક્યા હતા. જંબુસર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીની કારમી હાર થઇ હતી તો ભાજપના ઉમેદવાર ડી.કે સ્વામી એ ૨૬ હજાર જેટલી જંગી લીડ સાથે જીત મેળવતા કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ નો માહોલ છવાયો હતો.
અંકલેશ્વર બેઠક ઉપર આ વખતની ચૂંટણીને લઇ રસપ્રદ માહોલ સર્જાયો હતો, જ્યાં બે સગા ભાઇઓ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં પણ ખાસ કરી પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલને હારનો સ્વાદ ચખાડી પોતાનો ૪૦ હજાર કરતા વધુ મતોથી જીત હાંસિલ કરી વિજય રથને આગળ વધાર્યો હતો.
ભરૂચ જિલ્લાની વાગરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ વચ્ચે કાંટે કી ટક્કર જેવો માહોલ મતદાન ગણતરી કેન્દ્ર પર જોવા મળ્યો હતો, જ્યાં નજીવા માર્જિન સાથે તમામ રાઉન્ડમાં બંને ઉમેદવારો એકબીજાને ટક્કર આપતા નજરે પડ્યા જોકે તમામ ૧૮ જેટલા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણાની ૧૩ હજાર કરતા વધુ મતોથી જીત થઇ હતી તેમજ કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની હાર થતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો.
આમ ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો, ત્યારે આ વખતની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાના પરિણામોમાં ભારે ઉલટફેર સર્જાયો હતો અને ભારતીય જનતા પાર્ટીએ અત્રતત્ર સર્વત્ર ભગવો લહેરાવી મોદી સામે કરેલા કમિટમેન્ટને સાથર્ક કર્યો હતો.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744