ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલ સુરેશભાઇ વસાવાએ મુખ્ય ચૂંટણી અધિકારીને એક પત્ર લખી રજુઆત કરી છે, સુરેશભાઈ વસાવા એ પત્રમાં જણાવ્યું છે કે ચૂંટણી તટસ્થ અને નિષ્પક્ષ થાય એ અનિવાર્ય છે, અને લોકશાહીના જતન માટે ચૂંટણી પક્રિયા યોગ્ય અને પ્રમાણિક પણે થાય તે માટે બેટલથી ચૂંટણી યોજાય તો તેમાં સાચું અને નિષ્પક્ષ પરિણામ આવી શકે છે.
વધુમાં તેઓએ લખ્યું છે કે સમગ્ર દેશમાં અને રાજ્યમાં EVM મશીનમાં ગેરરીતિની અસંખ્ય ફરિયાદ થાય છે, અને EVM હંમેશા શંકાના દાયરામાં રહે છે, વળી સમગ્ર વિશ્વ આ EVM મશીનને તરછોડી ચૂક્યું છે, તેથી વધુ તો જે દેશે EVM ની શોધ કરી તે પણ EVM માં ગડબડી થઇ શકે છે તેમ સ્વીકારી EVM ની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી યોજી રહ્યું છે, તો ભારતમાં EVM શા માટે..? જેથી EVM મુક્ત ચૂંટણી યોજાય તેવી તેઓએ માંગ કરી છે.
સાથે જ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલય બુથ જે રાખવામાં આવ્યો છે તે સંવેદનશીલ તો છે જ અને દરેક ચૂંટણીમાં ત્યાં બોગસ મતદાન અને તકરારના બનાવો બનતા હોય છે, જેથી આ બુથ બંધ કરવામાં આવે અને બીજી જગ્યાએ ખસેડવામાં આવે તેવી પણ માંગ ઉચ્ચારી છે.