ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ના બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે, ગણતરીના કલાકોમાં હવે ગુજરાતમાં કઈ પાર્ટી સત્તાના શિખર સુધી પહોંચશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. મતદાન પૂર્ણ થયા બાદથી જ વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાની જીતના દાવા કરવામાં જોતરાઈ ગયા છે, બુથથી લઇ વિસ્તાર સુધીની બારીકાઈ પૂર્વકની માહિતી કાર્યકરો પાસેથી ઉમેદવારો માંગી રહ્યા છે અને પોતાનું અંગત રાજકીય ગણિત ગોઠવી હાર-જીતના દાવાઓ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કેટલાક ઉમેદવારોને તો રાત્રે સપનામાં પણ હાર-જીતના દ્રશ્યો દેખાતા હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન મતદાન પૂર્ણ થયા બાદથી જ જે તે ઉમેદવારના ચહેરાઓ ઉપરથી અનુમાન લગાવી શકાય તેમ છે, એક તરફ એક્સિટ પોલ પર ચર્ચાઓ જામી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીના કાર્યાલયોમાં પણ પાર્ટી આટલી બેઠકો જીતે છે, આટલી તો આવશે જ, આ જગ્યાએ થોડા કાચા પડ્યા, અહીંયા મતદાન સારું છે, પેલા બુથ પર ઓછું છે, આ પ્રકારની ચર્ચાઓ જામી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો ઉપર મતદાનની ટકાવારી સારી એવી નોંધાઈ છે તો કેટલીક બેઠકો ઉપર ઓછું મતદાન પણ રાજકીય પક્ષોના ગણિતને મુશ્કેલીઓ સમાન બનાવ્યું છે, તેવામાં હાલ કાર્યકરોથી લઇ ઉમેદવારો અને પાર્ટી હાઇ કમાન્ડના નેતાઓ સહિત દેશભરના અનેક લોકોની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ઉપર ચાતક નજરે ગોઠવાઇ હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે હવે ગણતરીના કલાકો બાદ ૮ ડિસેમ્બરની સવાર કયા પક્ષો માટે જશ્ન અને કયા પક્ષ માટે નિરાશા લાવે છે, તે તો આવનારો સમય જ બતાડી શકે તેમ છે.
હારુન પટેલ : ભરુચ
મો.: 99252 22744