નેશનલ હાઇવે ૪૮ પર વડોદરા અને સુરત વચ્ચેનો હાઇવે માર્ગ જાણે કે અકસ્માત જોન તરીકે બન્યો હોય તેમ લાગી રહ્યું છે, હાઇવે ઉપર છાશવારે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક બનાવોમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાક બનાવો માં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર લેવા મજબુર બની રહ્યા છે. નેશનલ હાઇવે ઉપર ભરૂચ જિલ્લાને જોડતા માર્ગ ઉપર આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવતી જોવા મળી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વહેલી સવારે સર્જાઈ હતી.
ભરૂચ નેશનલ હાઇવે પર પાલેજ નજીક આવેલ સાંસરોદ ગામ પાસે આજે વહેલી સવારના સમયે જામ ખંભાળિયાથી સુરત તરફ મુસાફરોને લઈ જતી એક ખાનગી લકઝરી બસ નંબર GJ 03 BV 0242 ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા લકઝરી બસ અચાનક પલ્ટી ખાઇ જતા બસમાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.
અકસ્માત બાદ લકઝરી બસમાં ફસાયેલ મુસાફરોને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં ત્રણથી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે એક સમયે હાઇવે ઉપર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. જોકે સ્થાનિક પોલીસની મદદથી ટ્રાફિકને ગણતરીના સમયમાં રાબેતા મુજબનો કરાયો હતો.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744