ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આવતો નર્મદા નદી પરના આલિયા બેટ ખાતે પ્રથમ વાર સ્થાનિકોને ઘર આંગણે પોતાનો મત અધિકાર આપવાનો લહાવો મળતા સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે,૨૧૨ જેટલા મતદારો ધરાવતું આલિયા બેટના રહીશો અત્યાર સુધી વાગરાના કલાદરા ગામ ખાતે મત આપવા માટે જતા હતા,આ વિસ્તારના લોકોને મત આપવા માટે અત્યાર સુધી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવતા હતો,પરંતુ આખરે તંત્ર ની સરાહનીય કામગીરીના કારણે આલિયા બેટના રહીશોની મતદાન કરવાની મુશ્કેલીઓનો આખરે અંત આવ્યો છે.
આલિયા બેટના મતદારોનું જણાવવું છે કે ભૂતકાળની ચૂંટણીઓમાં તેઓને મતદાન કરવા માટે આશરે ૮૦ કી.મી દૂર જવું પડતું હતું,જેને લઇ તેઓનો આખો દિવસ પસાર થઇ જતો અને બાદમાં તેઓ મત આપી શકતા હતા,પરંતુ વર્ષ ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આલિયા બેટના મતદારો માટે ચૂંટણી પંચ તરફથી અલાયદી વ્યવસ્થા કરી આપી બેટ ઉપર જ કન્ટેનર યાર્ડમાં મતદાન મથક ઉભું કરી દેતા આજે ઉત્સાહ ભેર આલિયા બેટના મતદારોએ પોતાના મતદાન આપવામાં સરળતા અનુભવી હતી, તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા બદલ તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા સ્થાનિકોનું કહેવું છે કે તેઓના વિસ્તારમાં મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર અત્યાર સુધી ઢીલું પડ્યું છે,પરંતુ આ વખતની ચૂંટણીમાં તેઓએ ઉત્સાભેર મતદાન કરી ચૂંટાઈ ને આવનારા ઉમેદવાર પાસેથી પોતાના વિસ્તારની સમસ્યાઓનો અંત આવશે તેવી આશાઓ વ્યક્ત કરી હતી.
હારુન પટેલ : ભરૂચ
મો.: 9925222744