ગુજરાત વિધાનસભા ચૂંટણી ના પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના કલાકો હવે બાકી રહ્યા છે, તારીખ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૮ કલાકથી જે તે વિધાનસભા મતદાન કેન્દ્ર ઉપર મતદાનની શરૂઆત થવા જઇ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ ચૂંટણી પક્રિયાને લઇ વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે, જિલ્લાની પાંચ વિધાનસભા ભરૂચ, અંકલેશ્વર, વાગરા, ઝઘડિયા અને જંબુસર વિધાનસભા બેઠકો ઉપર મતદાન થવા જઇ રહ્યું છે.
આજરોજ ભરૂચની પોલીટેક્નિક કોલેજ ખાતેથી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિતના અધિકારીઓની હાજરીમાં જિલ્લાના ૧૩૫૯ જેટલા બુથ પર ઇ.વી.એમ ડિસ્પેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ટ્રાકોમાં ભરી ઇ.વી.એમ મશીનોને જે તે મતદાન કેન્દ્ર ઉપર પહોંચાડવાની પક્રિયા સવારથી જોવા મળી હતી. ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં ૧૨,૬૫,૫૮૮ જેટલા મતદારો નોંધાયા છે, જે ગત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ ની સરખામણી એ આ વખતની ચૂંટણીમાં ૧,૩૫ લાખ નવા મતદારોનો સમાવેશ થયો છે.
આવતી કાલે યોજાનાર લોકશાહીના મહાપર્વમાં ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર કુલ ૩૨ જેટલા ઉમેદવારો માટે ૧૨ લાખથી વધુ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી તેઓના પસંદગીના ઉમેદવારને મત આપવા જઇ રહ્યા છે, ત્યારે જિલ્લામાં ચૂંટણી પક્રિયા દરમિયાન ૭ હજારથી વધુ કર્મીઓ પોતાની ફરજ નિભાવતા નજરે પડશે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પક્રિયા પૂર્ણ થઇ શકે માટે જિલ્લા પોલીસ સહિત સ્ટેટ અને સેન્ટ્રલ પોલીસ વિભાગોના જવાનો ખડે પગે રહી પોતાની ફરજ નિભાવવા તરફ જઇ રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ લોકો જોડાઇ સૌથી વધુ મતદાન કરે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી, તો બીજી તરફ દિવ્યાંગ અને હેંડીકેપ મતદારો પણ પોતાનો મત અધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકે માટે તંત્ર દ્વારા જે તે બુથ ઉપર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તેમજ જિલ્લાના અનેક બુથ ઉપર ૫-૫ સખી બુથ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં મહિલાઓ માટે મહિલા કર્મચારીઓ વિષેશ ફરજ બજાવશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પક્રિયા થાય માટે જિલ્લાના સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારો અને બુથ ઉપર પોલીસ વિભાગ દ્વારા ઇલેક્શન કમિશનની ગાઇડલાઇન મુજબ ચાંપતો બંદોબસ્ત ગોઠવવા સાથે સમગ્ર વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ સહિતની બાબતો કરવામાં આવી રહી છે, તેમજ એસ.પી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પક્રિયા થાય તે માટેના તમામ પ્રયત્નો હાથધરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744