વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભરૂચ જિલ્લાનાં મહત્તમ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે અવનવાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ દ્વારા મતદાન જાગૃતિ અર્થે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ભરૂચ શહેરમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિવિધ સામાજિક સંસ્થાઓ, મુન્સી બી.એડ કોલેજના વિદ્યાર્થીઓ અને ૪૦ જેટલા ભરૂચની વિવિધ શાળાના શિક્ષક ચિત્રકારો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પ્રાંગણમાં લગભગ ૫૬૨૫ sq.mtr સાઈઝમાં મહારંગોળી બનાવાનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. જે રવિવારના સાંજે રોજ પૂર્ણ થયા બાદ જાહેરજનતા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.
સ્વીપ નોડલ દિવ્યેશ પરમારે અનુરોધ કર્યો હતો કે, મતદાન જાગૃતિ માટેના સંદેશા આપતી કલાત્મક રંગોળી રચીને ભરૂચ જિલ્લાનાં મતદારોને મતદાનની પવિત્ર ફરજ નિભાવવા માટેનો સંદેશો પાઠવવાનો પ્રયાસ છે. ભરૂચના વધુમાં વધુ લોકો આ મહારંગોળીને જોવાનો લ્હાવો લઈ લોકશાહીના અવસરમાં પોતાનું અનુદાન આપે એ જરૂરી છે.