હાલ ચાલી રહેલી નર્મદા પરિક્રમા વચ્ચે રોજના હજારો પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે રોજના ૪૦૦ થી ૫૦૦ નર્મદા ભક્તોને ઝાડેશ્વર નીલકંઠ મંદિરે સવાર સાંજ ચા, પાણી, નાસ્તો, રહેવા અને જમવવાની વ્યવસ્થા મંદિર દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી રહી છે.
વિશ્વમાં એકમાત્ર થતી નર્મદા નદીની પરિક્રમા માટે આ વર્ષે પરિક્રમવાસીઓની ઘોડાપુર ઉમટી રહ્યું છે. ગત બે વર્ષે કોરોના મહામારીના કારણે પરિક્રમા બંધ રહી હોવાથી આ વખતે નર્મદા ભક્તોના રોજે રોજ મોટી સંખ્યામાં ઘાડે ધાડા ઉમટી રહ્યાં છે.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠ મંદિરે વર્ષોથી સાધુ, સંતો, પરિક્રમાવાસીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક આપી સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. હાલ નીલકંઠ મંદિરે રોજના ૪00 થી ૫00 નર્મદા પરિક્રમાવાસીઓ આવી રહ્યાં છે. જેમના માટે સવાર સાંજ ચા, નાસ્તો, પાણી અને ભોજન આપવા સાથે રહેવાની સગવડ કરાઈ છે.
ત્યારે ગત ગુરુવારના રોજ સાંજે ૬૦૦ થી વધુ પરિક્રમાવાસીઓ ઝાડેશ્વર નીલકંઠ મંદિરે આવી પહોંચતા મંદિર સંચાલકો દ્વારા તમામ પરિક્રમાવાસીઓને ભોજન, ચા, પાણી સહિત રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. નીલકંઠ મહાદેવ મંદિરના સંચાલકોની સેવા જોઈને પરિક્રમાવાસીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો.