હાલ રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મોસમ પુરજોશમાં જામી છે, વિવિધ વિધાનસભા વિસ્તારોમાં નેતાઓ ફરી ફરીને પોતાની તરફી મતદારો આકર્ષિત થાય તેવા પ્રયાસો સાથે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, આ દરમિયાન કેટલાક નેતાઓ જીતના આશાવાદ સાથે આગળ વધી રહ્યા છે તો કેટલાક નેતાઓ વોટનું વિભાજન કરવાની નીતિ સાથે પ્રચારમાં નીકળી હરીફ ઉમેદવારો માટે માથાના દુ:ખાવા સમાન સ્થિતિનું સર્જન કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને વાજતે ગાજતે દિલ્હી દરબારમાં જઇ ટીકીટ મેળવી આવેલા પૂર્વ નગર સેવક અને હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનહરભાઈ પરમાર પણ ભરૂચ બેઠક પર કેટલીક જગ્યાઓએ પ્રચારમાં નીકળી રહ્યા છે, પરંતુ એક ચર્ચા મુજબ મનહર પરમારને કેટલાય એવા વિસ્તારો છે જ્યાં જોઈએ તેવો જન સમર્થન ન મળતું હોય ભરૂચ આપ ના સંગઠનમાં પણ સોંપો પડી ગયો છે.
ભરૂચ વિધાનસભા બેઠક પર અન્ય પાર્ટીઓ કરતા ભીડ ભેગી કરવામાં આપ ના ઉમેદવાર અ-સફળ રહ્યા હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે,મનહર પરમારના અત્યાર સુધીના પ્રચારની વાત કરવામાં આવે તો તેઓએ એક ખાનગી હોટલમાં ભીડ ભેગી કરી પોતાના પ્રચારની શરૂઆત કરી હતી. જોકે બાદમાં સોડાના ઉભરાની જેમ પ્રચાર પણ ઠંડો પડી ગયો હોય તેમ ચર્ચાઇ રહ્યું છે, માત્ર લધુમતી વિસ્તારોમાં ભીડ ભેગી કરી આપ નો પ્રચાર બેઠક પર પુરજોશમાં જામ્યો હોવાનો માહોલ સોશિયલ મિડિયા થકી લોકો વચ્ચે ઉમેદવાર દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે.
મનહરભાઈ પરમારની આ પ્રકારની ઠંડી નીતિ અને લધુમતી બહુમતિ વાળા વિસ્તારમાં જ વધુ ભીડ ભેગી કરી પ્રચાર કરવાની રણનીતી શુ હોઈ શકે તે તો તેઓ જ જાણે પરંતુ એક લોક ચર્ચા મુજબ માત્ર ગણતરીના વિસ્તારોને બાદ કરી આપ ના ઉમેદવારને જોઇએ તેટલો પ્રચાર દરમિયાન જન સમર્થન લોકો તરફથી નથી મળી રહ્યો તેમ પણ ચૂંટણીના વર્તમાન માહોલ વચ્ચેથી જાણવા મળી રહ્યું છે, ત્યારે હવે જોવું રહ્યું કે આપ ની નૈયા મનહર પરમાર ૮ ડિસેમ્બરે પરિણામ સ્વરૂપી પાર કરાવે છે કે નહીં, તે તો આવનાર દિવસોમાં જ ખબર પડે તેમ છે.