વિધાનસભા સામાન્ય ચૂંટણી જાહેર થયા બાદ પ્રારંભથી જ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે મતદારો આ ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એ માટે ‘સિગ્નેચર અભિયાન’ શરૂ કરાયુ છે. મૌઝા ગામ નાગરિકો મતદાન જાગૃત્તિ સહી ઝુંબેશમાં ભાગ લઈને ‘ હું ભારતના બંધારણને સાક્ષી માની શપથ લઉં છું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં હું કોઈ પણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈ પણ રીતે પ્રલોભિત થયા વિના અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઊજવીશ’ એવી પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.
લોકશાહીના ઉત્સવમાં મતાધિકારનો ઉપયોગ કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મૌઝા ગામના અગ્રણી ખેડૂત ગિરીશ વસાવાએ ‘સિગ્નેચર અભિયાન’માં સહી કરીને મતદાનના શપથ લીધા હતા. તેમણે જણાવ્યું કે, હું પ્રત્યેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરૂ છું. મતાધિકારનું મહત્વ સમજીને સૌએ અચૂક અને નિષ્પક્ષ મતદાનના શપથ લેવા જોઈએ. લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે સૌએ સામૂહિક મતદાનના સંકલ્પ લેવા જોઈએ.
ગામની માધ્યમિક શાળામાં કામ અર્થે આવેલા મૌઝા ગામમાં કોમન સર્વિસ સેન્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા ૩૨ વર્ષીય સંજય વસાવાએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, હું કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લેતા વડીલો અને વૃધ્ધોને પણ તા.૧ લી ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા માટે જણાવું છું. તે ઉપરાંત હું જે ફળિયામાં રહુ છુ ત્યાના તમામ રહેવાસીઓને પણ મતદાન માટે પ્રેરણા આપીશ.
આપણા એક એક મતનું મૂલ્ય આંકી ન શકાય એટલું અમૂલ્ય હોય છે. લોકશાહીના પર્વ સભ્ય નાગરિક તરીકેની આપણી ફરજ બજાવવાની તક પૂરી પાડે છે. આપણે જે રીતે દિવાળી, હોળી જેવા તહેવારો ઉત્સાહથી ઉજવીએ છીએ એવી જ રીતે બહોળું મતદાન કરીને લોકશાહીના મહોત્સવની ઉજવણી કરવી જોઈએ. હું રહું છું ત્યાંના તમામ રહેવાસીઓને પણ મતદાન માટે પ્રેરણા આપીશ.