પિતા સામે પુત્ર અને ભાઈ VS ભાઈ સાથે સ્વામી પણ મેદાને
– ઝઘડિયા-જંબુસરમાં અગિયાર 11, વાગરામાં 9, ભરૂચમાં 8 અને અંકલેશ્વરમાં 7 ઉમેદવારો
– ભરૂચમાં અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આપના ભરૂચ તેમજ વાગરાના ઉમેદવારોનો નામાંકનનો વરઘોડો જામ્યો
– ભાજપના રમેશ મિસ્ત્રી, કોંગ્રેસના જયકાંત પટેલ, આપના મનહર પરમારે ભરૂચ બેઠક માટે ભર્યા ફોર્મ
– વાગરા બેઠક માટે કોંગ્રેસના સુલેમાન પટેલ, આપના જયેન્દ્રસિંહ રાજે ઉમેદવારી નોંધાવી
વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભરૂચમાં 7 કલાક સુધી ભરૂચ અને વાગરા બેઠક માટે ઉમેદવારી નોંધાવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોનો વરઘોડો જામ્યો હતો. છેલ્લા દિવસે જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ડમી સહિત કુલ 75 ફોર્મ ભરાયા હતા. જેમાં 46 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
ભરૂચ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ શક્તિનાથથી કલેકટર કચેરી ખાતે સંગઠન, કાર્યકરો અને સમર્થકોના પ્રચંડ જનસેલાબ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પોતાની જીત નિશ્ચિત હોવાના પરચમ લેહરાવી દીધા હોવાનો માહોલ સર્જી દીધો હતો.
કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલે પણ ડીજે અને ફટાકડાની ગુંજ સાથે આ વખતે પંજો ભરૂચ બેઠક ઉપર છવાઈ જશે તેવી ખાતરી સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી મનહર પરમાર પણ સમર્થકો અને પક્ષ સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભરવા આવી પહોંચ્યા હતા.
વાગરા બેઠક પરથી કોંગ્રેસના સુલેમાન પટેલે પણ પક્ષના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોની મેદની સાથે શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભર્યું હતું. તો આપ ના જ્યેન્દ્રસિંહ રાજે પણ આજે તેમનું નામાંકન વાગરા બેઠક માટે ભર્યું હતું. એક બાદ એક ઉમેદવારો અને પક્ષોના બેન્ડ બાજા સાથે વરઘોડાને લઈ ભરૂચ જાણે સાત કલાક સુધી ચૂંટણીના મુરતિયાઓથી છવાયેલું રહ્યું હતું.
અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી વિજયસિંહ પટેલે રેલી કાઢી ભાજપના ઉમેદવાર એવા પોતાના ભાઈ ઇશ્વરસિંહ સામે ઉમેદવારી નોંધાવી હતી. તેઓએ પોતાના પિતાની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા બાદ આગેવાનો તેમજ કાર્યકરો સાથે પ્રાંત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા.
જંબુસર બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીએ પણ આજે અંતિમ દિવસે શક્તિપ્રદર્શન સાથે પ્રાંત કચેરીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. પાંચેય બેઠકો માટે ડમી સહિત કુલ 75 ભરાયેલા ફોર્મમાં 46 ઉમેદવાર નોંધાયા છે. ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા માટે 20 ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ, અપક્ષ સહિત કુલ 9 વ્યક્તિઓએ ઉમેદવારી કરી છે. જંબુસર બેઠક ઉપર વિવિધ પાર્ટી અને અપક્ષના 15 ફોર્મમાં 11 વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી છે. ઝઘડિયા બેઠક ઉપર કુલ ભરાયેલા 18 ફોર્મમાં 11 વ્યક્તિઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. અંકલેશ્વર બેઠક માટે કુલ 12 ફોર્મ ભરાયા છે. જેમાં 7 ઉમેદવાર નોંધાયા છે. જ્યારે ભરૂચ બેઠક ઉપર માત્ર 10 ફોર્મમાં 8 ઉમેદવારો રહેલા છે. હવે આવતીકાલે મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી અને ત્યારબાદ 17 મી એ પરત ખેંચવાની તારીખે ભરૂચ જિલ્લાની 5 બેઠકો માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744