ભરૂચ નેશનલ હાઇવે ૪૮ ઉપર આજરોજ સવારના સમયે ટોલ ટેક્સ નજીક એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી, હાઇવે પરથી પસાર થઇ રહેલ ટ્રકની પાછળના ભાગની કેબિનમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગતા ઉપસ્થિત લોકોએ ટ્રકના ચાલકને મામલે જાણ કરી હતી જે બાદ ટ્રકના ચાલકે ટ્રક રસ્તા વચ્ચે જ ઉભી રાખી જોતા તેમાં આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું.
ચાલુ ટ્રકમાં અચાનક આગની જ્વાળાઓ નજરે પડતા ટ્રકના ચાલકે સળગતી હાલતમાં ટ્રકને હંકારી હાઇવે ઉપર ટોલ ટેક્સમાંથી પસાર કરી આગળના ભાગે ઉભી રાખી હતી જે બાદ જોત જોતામાં આગ વધુ પ્રસરવા લાગતા મામલા અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવી હતી, જે બાદ ફાયરના લાશકરોએ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
અચાનક ટ્રકની પાછળના ભાગની કેબિનમાં આગ લાગવાની ઘટનાના પગલે ભરૂચથી સુરત તરફ જતા હાઇવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે આગની જ્વાળાઓ રહેલ ટ્રકને રસ્તા વચ્ચેથી સાઈડ ઉપર લઇ ટ્રાફિકને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ટ્રકમાં આગ કયા કારણોસર લાગી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744