ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતે આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા ૧૧ મી ના મહિનાના તહેવાર નિમિત્તે નિયાઝનો સામાજીક પ્રસંગ યોજવામાં આવ્યું હતું, જે દરમિયાન જમણવાર બાદમાં એક સાથે ૧૫૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમયે વાગરા વિધાનસભા બેઠકના ઉમેદવાર સુલેમાન પટેલ પણ પ્રસંગમાં હાજર હોય તેઓને પણ જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર વર્તાઈ હતી.
અચાનક એક સાથે ૧૫૦ થી ૨૦૦ જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ અસરની ફરિયાદો મળતા જ ભરૂચ ૧૦૮ ઇમરજન્સી વિભાગની ૮ થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રવાના થઇ હતી તેમજ તમામ અસરગ્રસ્ત દર્દીઓને સારવાર અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર સહિત નજીકની હોસ્પિટલો તથા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યા હતા.
ચાંચવેલ ગામ ખાતે સામાજિક પ્રસંગ દરમિયાન સર્જાયેલ આ ઘટના અંગેની જાણ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને થતા તેઓએ તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જઈ તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે અને તમામ હોસ્પિટલ સ્ટાફ હાજર રહે તે અંગેના સૂચનો કરી ઘટના અંગેની માહિતી મેળવી હતી.
હારુન પટેલ : ભરૂચ