એક તરફ રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મોસમ જામી છે,તો બીજી તરફ ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી સતત સાત ટમ થી જીત મેળગી રાજકીય દબદબો ઉભો કરનાર અને કહેવાતા આદિવાસીઓના મસીહા છોટુ વસાવાના પરિવાર માં વર્ષ ૨૦૨૨ ની ચૂંટણીઓ જાણે કે ગ્રહણ લગાવી રહી હોય તેમ લાગી રહ્યું છે,ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની તારીખો જાહેર થયા બાદ થી જ જાણે કે વસાવા પરિવાર નો આંતરિક રાજકીય વિખવાદ પણ પ્રજા સમક્ષ જાહેર થઈ રહ્યો છે.
થોડા સમય પહેલા બીટીપી ના સંયોજક છોટુ વસાવા એ જે.ડી.યુ સાથે ના ગઠબંધન અંગે એક પત્રકાર પરિસદ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખુદ છોટુ વસાવાએ જે.ડી.યુ સાથે ગઠબંધન થયું છે તેવી માહિતી પત્રકારો સમક્ષ આપી હતી,જે બાદ તેના ગણતરી ના જ કલાકો માં ખુદ છોટુ વસાવા ના પુત્ર અને ડેડીયાપાડાના ધારાસભ્ય રહી ચૂકેલા મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા ના નિવેદન ને તેઓનો અંગત નિવેદન જણાવ્યું હતું સાથે જ તેઓને કે તેઓની પાર્ટી બીટીપી ની કોર કમીટીમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમ જણાવ્યું હતું જે બાદ થી જ જાણે કે પિતા પુત્ર સામ સામે આવી ગયા હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.
ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર થી સતત જીત મેળવતા છોટુ વસાવા નું નામ જાણે કે બીટીપી માંથી કાપી મહેશ વસાવાએ પોતાની ડેડીયાપાડા બેઠક ને છોડી ઝઘડિયા બેઠક પર બીટીપી ના ઉમેદવાર તરીકે પોતાનું નામ સત્તાવાર જાહેર કર્યું હતું,જે બાદ થી જ વસાવા પરિવાર તૂટી રહ્યો છે તેવી અટકળો વહેતી થઇ હતી,તેવામાં ગત રાત્રીના સમયે છોટુ વસાવા ના નાના પુત્ર દિલીપ વસાવાએ સોશિયલ મિડિયા ઉપર એક પોસ્ટ મૂકી પોતે બીટીપી સહિત પાર્ટી ના તમામ હોદ્દાઓ ઉપર થી રાજીનામુ આપ્યું હોવાનું ઘટટસ્ફોટ કર્યો હતો.
દિલીપ વસાવાએ પોતાની પોસ્ટ માં લખ્યું હતું કે *BTP તથા BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા જે પ્રમાણે માનનીય શ્રી Chhotubhai A Vasava ની જે અવગણના થઈ છે જેના કારણે ST, SC,OBC, માઈનોરિટી સમાજ ના અધિકાર ની લડાઈ ને ભારે નુકશાન થય રહ્યું છે એ જોતાં હું દિલીપભાઈ છોટુભાઇ વસાવા BTP અને BTTS ના તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું*આમ તમામ બાબતે પોતાના ભાઈ મહેશ વસાવા ને જવાબદાર ઠેરવી રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે,તેમજ વસાવા પરિવાર નો વિખવાદ ખુલી ને સામે આવ્યો છે.
ઝઘડિયા બેઠક પર બીટીપી માંથી મહેશ વસાવા એ પોતાનું નામ જાહેર કરી છોટુ વસાવા ચૂંટણી લડશે કે કેમ તે બાબતો ઉપર સવાલો ઉભા કરી મુક્યા હતા તો બીજી તરફ છોટુ વસાવા પણ જે.ડી.યુ ના સિમ્બોલ પર ચૂંટણી લડી શકે છે,તેવી અટકળો વર્તમાન સમય માં વસાવા પરિવાર માં ઉત્પન્ન થયેલ રાજકીય સ્થિતિ બાદ થી ચર્ચાઈ રહી છે,તેવામાં હવે જોવું રહ્યું કે જે વસાવા પરિવાર નો અત્યાર સુધી ઝઘડિયા બેઠક પર દબદબો રહ્યો છે તે દબદબો કાયમ રહે છે કે પછી વર્ષ ૨૦૨૨ ની ચૂંટણી અને પરિવાર માં ફૂંકાયેલા મતભેદ ના વાવાઝોડા માં રાજકીય દબદબો જ સુનામી ની જેમ વહી જશે તે બાબત આવનાર સમય જ બતાવી શકે તેમ છે.
હારુન પટેલ : ભરૂચ