Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસે વધુ ૪૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, અંકલેશ્વરમાં બે સગાભાઇ આમને,સામને તો વાગરાની કમાન ફરી સુલેમાનના હવાલે.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરના રોજ યોજાવવા જઈ રહી છે,તેવામાં રાજ્યનો રાજકીય માહોલ પણ તેની ચરમસીમાએ પહોંચ્યો છે,ભાજપે ગઇ કાલે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી તો કોંગ્રેસ દ્વારા પણ તેના મુરતિયા મેદાનમાં ઉતારવાની શરૂઆત કરવામાં આવી છે. ગત રાત્રીના સમયે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ૪૬ જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી ત્રણ વિધાનસભા પર ઉમેદવારોની જાહેરાત કરાઇ હતી જેમાં ખાસ કરી વાગરા વિધાનસભા બેઠક ઉપર સુલેમાન પટેલ, અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર વિજયસિંહ (વલ્લભ)પટેલ તેમજ ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ફતેસિંહ વસાવાના નામોની જાહેરાત કરવામાં આવતા તેઓના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.

Advertisement

કોંગ્રેસ દ્વારા જારી કરાયેલ યાદી બાદ અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર સૌ કોઇની નજર પડી હતી જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઈશ્વર સિંહ પટેલની સામે તેઓના જ સગા ભાઈ વિજયસિંહ (વલ્લભ)પટેલ ને ટીકીટ આપવામાં આવતા આ બેઠક ઉપર બે સગા ભાઈ આમને સામને ચૂંટણીના જંગમાં જોવા મળશે તેવો રસપ્રદ રાજકીય માહોલ બનતો સામે આવી રહ્યો છે.

ભરૂચ જિલ્લાની પાંચ પૈકી ત્રણ બેઠક પર જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની વાત કરીએ તો વાગરા વિધાનસભા બેઠક ઉપરના ઉમેદવાર સુલેમાન પટેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં જાણીતું નામ છે. આ બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપા ખૂબજ પાતળી સરસાઈથી જીતતું આવ્યું છે. આ બેઠક ઉપર મુસ્લિમ અને કોળી મતદાર સૌથી વધુ છે. વર્ષ 2017 ની ચૂંટણીમાં સુલેમાન પટેલ માત્ર 2686 મતથી પરાજિત થયા હતા. આ સમયે નારાજ મુસ્લિમ નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી સુલેમાન પટેલના વધુ મત કાપ્યા હતા. પરાજય બાદ પણ સુલેમાને મનોબળ ન તોડી બીજી ટર્મ માટે ટિકિટ માંગવાનું ચાલુ રાખ્યું હતું. સુલેમાને કોરોકાલમાં સારી કામગીરીથી મતદારોનું દિલ જીત્યું હોવાના દાવા સાથે યાદીમાં રિપીટ કરવા માંગ કરી હતી જે સ્વીકારવામાં આવી છે.

બીજી બાજુ અંકલેશ્વર વિધાનસભા બેઠક આ વખતની ચૂંટણીમાં હાઇ પ્રોફાઈલ બેઠક બની ચુકી છે,અંકલેશ્વર બેઠક ભાજપા જીતે કે કોંગ્રેસ પણ એ વાત નક્કી છે કે આ સીટ ઉપર માજી ધારાસભ્ય ઠાકોરભાઇ પટેલના પરિવારનો જ કબ્જો રહેશે. ભાજપના 4 ટર્મના ધારાસભ્ય અને માજી મંત્રી ઈશ્વર પટેલ સામે તેમના સગાભાઇ વિજયસિંહ પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. વિજયસિંહ ઘણા સમયથી તેમના સગાભાઇ ઈશ્વર પટેલથી નારાજ છે. વિજયસિંહે કોંગ્રેસનો ખેસ ધારણ કરી તરત ટિકિટ માટે માંગણી કરી હતી. અંકલેશ્વર – હાંસોટના મતદાર ઠાકોરભાઈ પટેલના પરિવારને સારું માન આપે છે. વિજયસિંહ આ લોકચાહનાના દાવા સાથે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે.

તો ઝઘડિયા બેઠક ઉપર આ વખતે કોંગ્રેસ દ્વારા બીટીપી સાથે ગઠબંધન ન કરી પોતાના પક્ષ નો ઉમેદવાર ઉતાર્યો છે જે બાદ છોટુ વસાવા નું ગઢ ગણાતી ઝઘડિયા બેઠક ઉપર આ વખતે ત્રી પાંખિયા જંગ જામશે તે વાત નક્કી થઇ ચુકી છે,ઝઘડિયા બેઠક પર કોંગ્રેસ દ્વારા યુવા આગેવાન ફતેસિંહ વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. ફતેસિંહ તાલુકાના પ્રમુખ છે. છોટુ વસાવા ચૂંટણીમાં ઉમેદવારી કરવાના નહિ હોવાના BTP ના નિર્ણય બાદ કોંગ્રેસ આ બેઠક પર વધુ જોર લગાવી રહી છે, છોટુ વસાવા ૭ ટર્મ ધારાસભ્ય રહ્યા છે તોબીજી તરફ આ વિધાનસભામાં મોટેભાગે કોંગ્રેસ બીજા ક્રમે જ રહી છે .ગત ચૂંટણીમાં કોંગ્રેસ સાથે BTP એ ગઠબંધન કર્યું હતું.જે બાદ આ વખતે ઉમેદવાર ઉભો રાખી વિરોધી પક્ષો સામે મજબૂત ટક્કર આપવાની રણનીતિ ઘડી કાઢી હોવાનું માનવામાં આવી રહ્યું છે.


Share

Related posts

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મત ગણતરી નિયત કરાયેલા કેન્દ્રો ખાતે હાથ ધરાશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના એક ગામની સગીરાને ભગાડી જનાર વધુ એક ઈસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!