ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આગામી ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરના રોજ યોજાવવા જઈ રહી છે, વિવિધ રાજકીય પક્ષો દ્વારા કેટલીય બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે તો મોટા ભાગની બેઠકો ઉપર હજુ સુધી ઉમેદવારોની મથામણ ચાલી રહી છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર હજુ સુધી આપ સિવાય કોઈ પક્ષે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી, જે બાદ કાર્યકરો અને સંભવિત ઉમેદવારો હાઇ કમાન્ડના લિસ્ટની હજુ સુધી ચાતક નજરે રાહ જોઈ બેઠા છે.
કોને મળશે…ક્યારે જાહેર થશે, કોણ કોણ લિસ્ટમાં હશે, કોનું પત્તુ કપાશે, જેવી બાબતો રાજકીય પાર્ટીના કાર્યલયોથી લઇ જાહેર માર્ગો પરના પાનના ગલ્લાઓ સુધી ચર્ચાનું કેન્દ્ર બની છે, આ તો ફાઇનલ જ છે માત્ર સત્તાવાર જાહેરાત બાકી છે અથવા પેલાને તો અત્યારથી જ કામે લાગી જવા અંદર ખાનગી રાહે કહી દેવામાં આવ્યું છે, તેમજ આ વખતે આ બેઠક ઉપર રસપ્રદ ચૂંટણી રહેશે તેવી અનેક બાબતો હાલ ચૂંટણીના રાજકીય માહોલ વચ્ચે જામતા સમર્થકોને ટોળાઓમાં ચર્ચાઈ રહી છે.
ભાજપ-કોંગ્રેસમાંથી જે તે બેઠકો ઉપર ઉમેદવાર તરીકેના નામો હજુ સુધી સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યા નથી જે બાદ શુ પાર્ટી સીધા મેન્ડેટ ભરવા મોકલશે કે પછી વિવાદિત બેઠકો પર અસંતુષ્ટ અને નારાજગીનો ભય છે તેવી અનેક અટકળો આજકાલ ભરૂચ જિલ્લાના રાજકીય માહોલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, ત્યારે હવે જોવું રહ્યું છે કે રાજકીય પાર્ટીઓ દ્વારા કાર્યકરો અને સંભવિત ઉમેદવારોની ચાતક નજરે જોવાઇ રહેલ અટકળોનો આખરે ક્યારે અંત લાવવામાં આવનાર છે.