ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, રાજકીય પાર્ટીઓ તરફથી પોતાના ઉમેદવારની જાહેરાતો થઇ રહી છે, તેવામાં ભરૂચ-નર્મદા જિલ્લાના રાજકીય માહોલમાં સતત ટ્વીસ્ટ આવતા જોવા મળી રહ્યા છે, ખાસ કરી ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક અને નર્મદા જિલ્લાની વિધાનસભા બેઠકો ઉપર રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં ખુદ હવે બીટીપીના ગઢ સમાન બેઠકો પર પિતા-પુત્ર સામ સામે નિવેદનોમાં ઉતરી આવ્યા હોય તેમ બની રહ્યું છે.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સંયોજક છોટુભાઈ વસાવાએ ગતરોજ પત્રકાર પરિસદ યોજી જે.ડી.યુ સાથે ગઠબંધન અંગેની માહિતી વહેતી કરી હતી, છોટુ વસાવાના નિવેદન આપ્યાને ગણતરિના કલાકોમાં જ બીટીપી ના અધ્યક્ષ અને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ગઠબંધનની વાત નકારી કાઢી હતી તેમજ તેઓ સાથે ગઠબંધન અંગે કોઈ વાત ન થઇ હોય અને આખો નિર્ણય છોટુ ભાઈ વસાવાનો વ્યક્તિગત ગણાવ્યો હતો. આમ પિતા-પુત્ર ગણતરીના કલાકોમાં આમને સામને આવતા દેખાતા રાજકિય માહોલ ગરમાયો છે.
મહત્વની બાબત છે કે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બીટીપી ના ખરાબ પ્રદર્શન બાદથી ઝઘડિયા વિધાનસભા બેઠક જીતવા માટે ભાજપે કમરકસી છે, તો બીટીપી પણ આ વખતની ચૂંટણીમાં રાજકીય ગણિતને સેટ કરવાની મથામણમાં લાગી હોય તેમ લાગી રહ્યું છે, કોંગ્રેસ સાથે બીટીપીના ગઠબંધન અંગેની કોઈ અટકળો દેખાતી નથી તો આપ સાથે પણ ગઠબંધન થયું જ ન હતું તેવું નિવેદન છોટુ વસાવાએ ભૂતકાળમાં આપ્યા છે, તેવામાં હવે મહેશ વસાવા અને છોટુ વસાવા એકાએક આમને સામને આવ્યા હોય ત્યાર બાદથી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
બીટીપી દ્વારા તાજેતરમાં જ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા તેમાં પણ ખાસ કરી ચોંકાવનારી બાબત એ હતી કે મહેશ વસાવા અને છોટુ વસાવાના નામો ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ન હતા. તેવામાં હવે અટકળો વધુ તે જ બની છે કે મહેશ વસાવા થકી ભાજપ-બીટીપી ગઠબંધન કરી શકે છે, તેમજ જેડીયુંના સિમ્બોલ ઉપર છોટુ વસાવા ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
જોકે હાલમાં સર્જાયેલ ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપરના રાજકીય માહોલ ઉપરથી આ તમામ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, છેલ્લા ૨૪ કલાકમાં ઝઘડિયા બેઠક પરનું રાજકિય માહોલ ચરમસીમાએ છે તો બીજી તરફ માહોલને પારખી ગયેલા સાંસદ મનસુખ વસાવાએ પણ ગઈ કાલે ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે એક મિટિંગ યોજી લીધી હતી અને પાર્ટી આ વખતે નારાજ નહિ કરે તેમજ જે ઉમેદવારોના નામ નિરીક્ષકો સમક્ષ કાર્યકરોએ સેન્સ પક્રિયા દરમિયાન આપ્યા છે તેમાંથી જ પાર્ટી નામ જાહેર કરે તેવા નિવેદનો આપી પાર્ટી સમક્ષ બાયો ચઢાવી છે.
હાલ મહેશ વસાવા અને ભાજપ વચ્ચે ગઠબંધન થાય તેવી બાબતો વર્તમાન રાજકીય સ્થિતિ વચ્ચે માત્ર ચર્ચાઈ રહી છે, જોકે તેને સત્તાવાર સમર્થન મળે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાડી શકે તેમ છે, પરંતુ ઝઘડિયા વિધાનસભા અને આદિવાસી બેઠકો પર મોટી રાજકીય ખીચડી રંધાઈ રહી હોય તે બાબતો ન કારી શકાય તેમ નથી…!!
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744