ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ સમગ્ર રાજ્યમાં જામ્યો છે,એક બાદ એક રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે, કેટલાક સ્થળે ઉમેદવારોના નામોને આવકાર મળી રહ્યો છે તો કેટલાક સ્થળે કાર્યકરોના માનીતા ઉમેદવારને ટીકીટ ન મળતા નારાજગીઓ સામે આવી રહી છે.
ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મત વિસ્તારમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી દ્વારા જયરાજ સિંહ રણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જે બાદ વાગરા વિધાનસભાના આપ ના કાર્યકરોમાં નારાજગી ચરમસીમાએ પહોંચી હોય તેવું સામે આવી રહ્યું છે,ગત રાત્રીના સમયે આપ ના કાર્યકરોએ વાગરા ખાતે આમ આદમી પાર્ટીના ખેસ અને ટોપીઓ જાહેર માર્ગ પર સળગાવી પક્ષ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
મહત્વની બાબત છે કે આમ આદમી પાર્ટી દ્વારા જયરાજસિંહને વાગરા બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. આપ માંથી ઉમેદવાર તરીકે જયરાજસિંહ ન હોવા જોઈએ અને અન્ય કોઈ મજબૂત ચહેરો હોવું જોઈએ તેવી માંગ સાથે કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી ઉમેદવાર પસંદગી મામલે હાઇ કમાન્ડ સામે પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો.
હારુન પટેલ : ભરૂચ