ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થઇ ચુકી છે, વિવિધ રાજકીય પક્ષો હવે પ્રજા સુધી પહોંચવા અને તેઓને પોતાના પક્ષની તરફેણમાં લાવવા માટેના ભરપૂર પ્રયાસો કરવામાં લાગી ગયા છે, ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી બે વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે.
ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ગત રોજ ભરૂચના કોલેજ રોડ પર આવેલ એક ખાનગી પ્લોટમાં સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો અને વર્તમાન ચૂંટણીના આપ ના ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. આપ ના ભરૂચ બેઠકના ઉમેદવાર મનહર પરમારે ટીકીટ મળ્યા બાદ પ્રથમ વખત મળેલ સભામાં લોકો વચ્ચે પોતાના પ્રચાર પ્રસારની શરુઆત કરી હતી.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનહર પરમારે જણાવ્યું હતું કે દિલ્હી અને પંજાબના અરવિંદ કેજરીવાલની સારી કામગીરીના કારણે પ્રજાએ તેઓને ચૂંટયા છે, ગુજરાતમાં પણ આપ પાર્ટી સારું કામ કરશે, સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે પાલિકા સભ્ય હતા ત્યારે ભ્રષ્ટાચારિયો તેઓથી ગભરાતા હતા, હવે મારે ભરૂચને સુધારવું છે, લોકોની વચ્ચે રહી શકે તેવા ધારાસભ્યની ભરૂચને જરૂર છે, લોકોને તન, મન અને ધનથી હું સેવા કરીશ તેમ પણ તેઓએ જણાવ્યું હતું અને જો હું ધારાસભ્ય બન્યો કદાચ તો મારો પગાર હું નહિ લઉં અને લોકોની સેવામાં એ પગાર આપીશ તેવું તેઓએ લોકોને વચન આપ્યું હતું.
આમ ભરૂચ વિધાનસભા બેઠક ઉપર ત્રી પાંખિયા જંગ માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી હોય અને આગામી ચૂંટણીમાં આપ ના ઉમેદવાર મજબુત રીતે અન્ય પક્ષોને ફાઇટ આપી શકે તેવી રણનીનિતિ સાથે આપ મેદાનમાં ઉતરી ચુકી હોય તેમ લાગી રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744