સત્તાની લાલચ એ રાજકીય પક્ષોમાં મોટા પ્રમાણમાં છુપાયેલો વાઇરસ છે જે સક્રિય થાય તો ધીરે રહીને પહેલા વર્તણુક બગાડે પછી વિશ્વાસ ઘટાડે. મનમાં વાયરસ લઈને ફરતા ચેપી નેતાઓ, સેવાના નામે, સામાન્ય કાર્યકરો વચ્ચે જ છુપાયેલા હોય છે. ઝટ ઓળખવા પણ મુશ્કેલ હોય છે.
સત્તાની લાલચ પક્ષપલટો કરાવે ત્યારેય જાણે પોતે સંપૂર્ણ સ્વસ્થ છે તેમ વર્તતા નેતાઓ કલુષિત રાજકારણની નિશાની છે. જોકે પાયાના સંનિષ્ઠ કાર્યકરોને આથી જ, સામેની છાવણીમાંથી આવેલા પક્ષપલ્ટુઓ આંખમાં કણાની જેમ ખૂંચતા હોય છે. જેની સામે લડ્યા હોય તેને જ આવકારવો, હારતોરા કરવા કઠણ કાળજું જોઈએ. ત્યારે સવાલ એ છે કે હજારો કાર્યકર્તા વચ્ચે બિન્દાસ હળીમળી ગયેલા, ચેપી સત્તા લાલચુઓને ઓળખવા કેવી રીતે..?? એ તો ઠીક પરંતુ પોતાનો જ સાથી કાર્યકર પણ આગળ જતા કેટલો વફાદાર નીવડશે, એનુ પણ પ્રારંભમાં જ મૂલ્યાંકન શક્ય ખરું?? દંભથી તરબતર આ ક્ષેત્રમાં સાચો જવાબ મળવો મુશ્કેલ છે. છતાં કેટલાક લક્ષણો અંદાજ આપી શકે. જેમ કે પાર્ટી સંગઠનમાં, જે તે વ્યક્તિની વર્તણૂક, વ્યવહાર અને સોંપાયેલી જવાબદારી કેટલી નિષ્ઠાથી નિભાવે છે તેના દ્વારા અંદાજ મેળવી શકાય. ( બારીકાઈભર્યું નિરીક્ષણ આવશ્યક )…. તેની શિસ્ત કે ગેરશિસ્તભરી વર્તણૂંકથી પણ તેને અલગ તારવી શકાય.
એક રસપ્રદ ઉદાહરણ જોઈએ. એક મહિલા આગ્રણીને સંગઠન દ્વારા 10 દિવસમાં 50 મહિલાઓને પક્ષમાં જોડવાનો ટાર્ગેટ અપાયો હતો. એ ચતુર નારીએ 10 મહિલાઓને પક્ષમાં જોડી. બીજા દિવસે એ જ દસ મહિલાઓને સાડીને હેરસ્ટાઇલ બદલાવી 10 ફોટા પાડી ઉપર મોકલી આપ્યા. બે દિવસ બાદ ફરી એ જ 10 ના ગ્રુપને સાડીમાંથી ડ્રેસ પર લાવી પાછા ફોટા અપલોડ કરી પોતાને અપાયેલા ટાર્ગેટની સમીપ પહોંચી ગઈ..!! આવી મહિલા અગ્રણી રાજકારણમાં આગળ નીકળી જાય તો શું ન કરે..??.
એક બીજું ઉદાહરણ જોઇએ. પોતાને ” I m something ” સમજતો, મોભાદાર અને પૈસાદાર, ક્ષણિક ખેસ પહેરતો, પક્ષનો ઉપયોગ કરી જાણનાર, કહેવાતો આગેવાન જો પક્ષ દ્વારા ગોઠવાયેલું શિસ્તનું માળખું ઓળંગે અને તેને પોતાની હોશિયારી સમજે ત્યારે તેવાઓ પણ આગળ જતા બેવફા જ બની રહે. સંગઠનના નિયમ મુજબ, અમુક જગ્યાએ મોબાઈલ લઈ જવાની ના હોય છતાં વટભેર મોબાઈલ લઈને ચેમ્બરમાં ઘૂસી જઈ અન્યોથી અલગ પડતા, કહેવાતા આગેવાનો સામાન્ય કાર્યકરો માટે ક્યારેય ભરોસાપાત્ર નીવડી શકે નહી. એ જ રીતે, સામૂહિક ભોજન દરમિયાન સૌની સાથે પતરાળામાં જમવાની જગ્યાએ, ખૂણામાં જઈ થાળીમાં આરોગતો આગેવાન પણ બેવફા નિવડી શકે..!!. પક્ષના કામ માટે પોતાના પ્રાઇવેટ વાહનમાં જઈ ભલે સમય સાચવે પરંતુ જગ્યા હોવા છતાં કોઈને લિફ્ટ ના આપે, તેવા આગેવાનો પણ તક શોધતા ડાઘીયા જ સાબીત થાય…
ધ્યાનથી જોજો. એકથી વધુ ટર્મ માટે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ બને એટલા સામાન્ય રહેવા ટેવાયેલા હશે. (પ્રોટોકોલ અલગ વાત છે.)
( અતડો ચાલે તો બીજીવારમાં ફેંકાઈ પણ જાય…!!)
જે પક્ષમાં કે ગામમાં, વહીવટ કે સંગઠનનુ માળખું નબળું પડતું હોય એ પક્ષે હોદ્દેદારોની વર્તણુક અને વ્યવહારનો બારીકાઈથી અભ્યાસ કરાવવો જોઈએ. નાની લાગતી વાતો જ મોટા સંકેત આપતી હોય છે..!!.
નોંધવું ઘટે કે ચુગલીખોરોની તો આખી જમાત જ અલગ હોય છે…!!. અને સત્તા પર બેસીને ભ્રષ્ટાચાર આચરતાની કેટેગરી પણ અલગ મંથન માંગી લેતો વિષય છે.
ચૂંટણી જ તો આવા વિષય પર વિચારવા પ્રેરે, બાકી 365 x 5 = 1825 દિવસો રાજ કરવા નીકળેલાને જાણવાનો, સમજવાનો કોઈની પાસે સમય જ ક્યાં છે..??. પરંતુ હવે રાજકારણમાં ધોતિયા ક્લચર નથી. હવે શિક્ષિત યુવાઓનાં ખભે ભાર છે. જેઓને છેતરવા સહેલા નથી. આ આખી વાત કાર્યકરોએ ધ્યાનમાં રાખી ચુપચાપ પોતાના નેતાજીની વર્તણુકને ચકાસી લેવી જોઈએ.