ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ગમે તે સમયે ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવી શકે છે, તેવામાં હવે દિવાળીના તહેવારો બાદથી વિવિધ રાજકીય પક્ષો પણ પાર્ટીને મજબૂત કરવા સાથે સાથે લોકો વચ્ચે જવાની રણીનીતિ તૈયાર કરી આગળ વધવાની શરૂઆત કરી છે. આમ તો છેલ્લા બે માસથી રાજ્યમાં રાજકીય માહોલ જામ્યો છે, તે વચ્ચે બિલાડી પગે આગળ વધી રહેલી કોંગ્રેસ પણ હવે ખુલીને રાજકીય મેદાનમાં ઉતરી આવી છે, અને પરિવર્તન સંકલ્પ યાત્રા થકી વિરોધીઓ સામે શક્તિ પ્રદશનનું પણ રણસિંગુ ફુંકી દીધું છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનો આજે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા દરમિયાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્કનો લક્ષ્યાંક કોંગ્રેસ દ્વારા લઈ આગળ વધવાની રણનીતિ ઘડી છે, વ્યાપક જન સંપર્ક માટે કોંગ્રેસ પક્ષની કુલ ૫૪૩૨ કી.મી થી વધુ લાંબી આ પરિવર્તન સંકલ્પ યાત્રા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, યાત્રા દરમિયાન ૧૪૫ જાહેત સભાઓ, ૩૫ સ્વાગત પોઇન્ટ તેમજ ૯૫ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે યાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષે આપેલા ૧૧ વચનો-સંકલ્પોનો વ્યાપક પ્રચાર કરવાની રણનીતિ સાથે કોંગ્રેસે પ્રચાર પ્રસારનું બ્યુગલ ફૂંકયું છે.
ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભા વિસ્તારમાંથી પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોને જોડાયા છે, સાથે સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાજી અને ર સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય ચેરમેન સુપ્રિયા શ્રીનેતજી તેમજ પ્રદેશ અને જિલ્લા કક્ષાના નેતાઓ જોડાયા હતા. આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ પણ મજબૂતાઈથી લડત આપશે તેવી રણનીતિ સાથે શક્તિ પ્રદર્શન કરી યાત્રા ભરૂચ જિલ્લા માંથી પસાર થવા જઇ રહી છે.
ભરૂચના જંબુસરથી વિશાળ સંખ્યામાં કાર્યકરોના હુજુમ સાથે નીકળેલ કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા જંબુસર વિધાનસભા, વાગરા વિધાનસભા, ભરૂચ વિધાનસભા અંકલેશ્વર તેમજ ઝઘડિયા વિધાનસભામાંથી પસાર થઇ રાજપીપળા તરફ જવા રવાના થઈ રહી હતી, આ દરમિયાન ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744