ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ગમે તે સમયે ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવી શકે છે, તેવામાં હવે દિવાળીના તહેવારો બાદથી વિવિધ રાજકીય પક્ષો પણ પાર્ટીને મજબૂત કરવા સાથે સાથે લોકો વચ્ચે જવાની રણીનીતિ તૈયાર કરી આગળ વધવાની શરૂઆત કરી છે, આમ તો છેલ્લા બે માસથી રાજ્યમાં રાજકીય માહોલ જામ્યો છે, તે વચ્ચે બિલાડી પગે આગળ વધી રહેલી કોંગ્રેસ પણ હવે ખુલીને રાજકીય મેદાનમાં ઉતરી આવી છે, અને પરિવર્તન સંકલ્પ યાત્રા થકી વિરોધીઓ સામે શક્તિ પ્રદશનનું પણ રણસિંગુ ફુંકી દીધું છે.
આવતી કાલે એટલે કે તારીખ ૩૧ મી ઓકટોબર ૨૦૨૨ થી ગુજરાત કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, આ યાત્રા દરમિયાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્કનો લક્ષ્યાંક કોંગ્રેસ દ્વારા લઈ આગળ વધવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે, વ્યાપક જન સંપર્ક માટે કોંગ્રેસ પક્ષની કુલ ૫૪૩૨ કી.મી થી વધુ લાંબી આ પરિવર્તન સંકલ્પ યાત્રા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, યાત્રા દરમિયાન ૧૪૫ જાહેત સભાઓ, ૩૫ સ્વાગત પોઇન્ટ, તેમજ ૯૫ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે યાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષે આપેલા ૧૧ વચનો-સંકલ્પોનો વ્યાપક પ્રચાર કરવાની રણનીતિ સાથે કોંગ્રેસે પ્રચાર પ્રસારનું બ્યુગલ ફૂંકયું છે.
આવતી કાલે ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભા વિસ્તારમાંથી પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોને જોડવા સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય તેમજ પ્રદેશ કક્ષાના નેતાઓ જોડાવા જઈ રહ્યા છે, અને આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ પણ મજબૂતાઈથી લડત આપશે તેવી રણનીતિ સાથે શક્તિ પ્રદર્શન કરી યાત્રા ભરૂચ જિલ્લામાંથી પસાર થવા જઇ રહી છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
હારુન પટેલ : ભરૂચ