ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ટૂંક સમયમાં જ જાહેર થવા જઇ રહી છે,તેવામાં વિવિધ રાજકીય પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં મજબૂતાઈ થી ઉતરવા માટે જે તે બેઠકો ઉપર પક્ષ માટે મજબૂત ઉમેદવારો શોધવાની કવાયતમાં લાગી ગઈ છે, ભરૂચ જિલ્લામાં પણ ભાજપ અને કોંગ્રેસમાં પાંચ વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી લડવા માટે જાણે કે દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ બંને પાર્ટી દ્વારા લેવામાં આવેલ સેન્સ પક્રિયા દરમિયાન બાદથી સામે આવ્યું છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પાંચ બેઠકો ઉપર ચૂંટણી લડવા જ્યાં ૧૦૦ થી વધુ દાવેદારોએ ટીકીટ મેળવવા માટે નિરીક્ષકો સામે પડાપડી કરી હતી તો ભાજપમાં પણ કંઇક એ જ પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થયું છે,ભરૂચ ના રજપૂત છાત્રાલય ખાતે ગત ત્રણ દિવસથી પ્રદેશ ભાજપ ના નિરીક્ષકોએ ધામા નાંખી રાજકિય માહોલમાં ગરમાવો લાવી દીધો હતો,ભાજપ ના નિરીક્ષકો તરીકે ભુપેન્દ્ર સિંહ ચુડાસમા,શબ્દશરણ બ્રહ્મભટ્ટ તેમજ નિમિષા સુથાર સમક્ષ પાંચ બેઠકો માટે ચૂંટણી લડવા માટે કુલ ૮૨ જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
સેન્સ પ્રક્રિયા દરમિયાન પાંચ વિધાનસભામાં ભરૂચમાં 21, અંકલેશ્વર 10, વાગરા 12, ઝઘડીયા 16 અને સૌથી વધુ જંબુસર 23 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા બેઠક માટે કુલ 82 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં વર્તમાન ત્રણ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી, જિલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાના હોદેદારો, સભ્યો, સંગઠનના આગેવાનો સહિતનો સમાવેશ થાય છે.
આમ ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે આંતરીક રાજકીય માહોલ ગરમાયો છે, કોને મળશે,કોણ કપાશે,હું તો ફાઇનલ જ છું,આપણું શક્તિ પ્રદશન કેવું રહ્યું..?જો આ કપાયો તો અઘરું પડશે,તેવી અનેક બાબતો હાલમાં ચર્ચાઈ રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે,આમ તો માત્ર પાંચ ઉમેદવારો જ પાર્ટી તરફથી જાહેર કરવાના હોય તેવાંમાં અન્ય ૭૭ ને પાર્ટી પ્રમુખ સાચવી લઇ આગામી ચૂંટણીઓમાં આગળ વધશે કે પછી ઉમેદવારો ની જાહેરાત બાદ ભાજપમાં પણ આંતરિક નારાજગીઓનો ઉકળતો ચરું સામે આવશે..?તેવી અગ્નિ પરીક્ષા હાલ જિલ્લા પ્રમુખ સામે આવી ઉભી છે,તેવામાં આગામી દિવસોમાં ભાજપ માં સર્જાયેલ આખાયે રાજકીય માહોલ પર પણ સૌ કોઇ ચાતક નજરે જાહેરાતની રાહ જોઈ બેઠા હોય તેમ ચર્ચાઇ રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ