ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના દાવેદારો માટે ચૂંટાયેલા આગેવાનો, હોદ્દેદારો અને સંગઠનના લોકોની સેન્સ લેવાની પ્રક્રિયાના બીજા દિવસે વાગરા બેઠક માટે સરપંચો અને ડેપ્યુટી સરપંચો સહિત ગ્રામજનોએ પ્રચંડ સમર્થન જાહેર કરી નિરીક્ષકોને સમર્થન પત્રો આપ્યા હતા.
શુક્રવારના રોજ વાગરા તેમજ જંબુસર બેઠક માટે ભરૂચના રાજપૂત છત્રાલય ખાતે સવારથી જ ઉમેદવારો, સમર્થકોની હાજરી વચ્ચે ભાજપના નિરીક્ષકો ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમીષાબહેન સુથાર દ્વારા એક બાદ એક દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના 99 ટકા અપેક્ષિત આગેવાનોએ વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રણાની તરફેણ કરી હતી. જ્યારે વાગરા બેઠકના 125 થી વધુ ગામોના સરપંચ અને ડેપ્યયુટી સરપંચ સહિત ગ્રામજનોએ પંચાયતના લેટરપેડ પર જ વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રણાને સમર્થન જાહેર કર્યું હતું.
રાજપૂત છાત્રાલય ખાતે ઉમટેલા વાગરા વિધાનસભા ક્ષેત્રના ગામોના સરપંચો અને ડેપ્યુટી સરપંચોએ નિરીક્ષકોની રૂબરૂ મુલાકાત લઈ વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રણાની તરફેણમાં રજૂઆતો કરી તેમને જ ટિકિટ મળે તેવી માંગ ઉઠાવી હતી. સરપંચો અને ડેપ્યુટી સરપંચો સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ અરુણસિંહ રણાની તરફેણમાં સમર્થન પત્રો નિરીક્ષકોને આપ્યા હતા.
વાગરા બેઠક માટે ધારાસભ્ય અરુણસિંહ રણા ઉપરાંત નકુલસિંહ રણા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, વાગરા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સંજયસિંહ ચાવડા, જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ, પટેલ સમાજના પ્રમુખ શૈલેષભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ધીરમ ગોહિલે પણ પોતાની દાવેદારી કરી હતી. જોકે છેલ્લા દસ વર્ષમાં પોતાની આગવી આવડત અને કુનેહથી વાગરા વિધાનસભા ક્ષેત્રના ગામોના વિકાસ કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રણાના સમર્થનમાં 125 થી વધુ ગામોના સરપંચો રાજપૂત છાત્રાલય ખાતે આવ્યા હતા. અને તેમની તરફેણમાં પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.