ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતનો એક વાયરલ વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વાયરલ વીડિયોમાં તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખની નેમ પ્લેટ વારા ટેબલ પર જ એક વ્યક્તિ બેઠો હોય તેમ નજરે પડે છે સાથે સામેની સાઈડ ઉપર કેટલાક રજૂઆત કરતા લોકો નજરે પડી રહ્યા છે, બંને પક્ષે કોઈ બાબતે ચર્ચાઓ ચાલતી હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ માની શકાય તેમ છે, પરંતુ આ વાયરલ વીડિયો ચર્ચામાં એટલે આવ્યો છે કે જે સ્થાને ચૂંટાયેલા જન પ્રતિનિધિ અને જેને આ ખુરશી પર બેસવાની સત્તા આપી છે તેઓની જગ્યાએ અલગ જ વ્યક્તિ જોવા મળી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે નેત્રંગ તાલુકા પંચાયતમાં વર્તમાન પ્રમુખ તરીકે લીલાબેન માનસિંગભાઈ વસાવા છે, પરંતુ તેઓની ગેરહાજરીમાં તેઓના પતિ માનસિંગ ભાઈ વસાવા નાઓ જ પ્રમુખની ચેમ્બરમાંથી બધો કાર્યભાર કરતા હોય તેવી ચર્ચાઓએ છેલ્લા કેટલાક સમયથી જોર પકડ્યું છે, જે બાદ હાલ એક વીડિયો અને કેટલાક ફોટો વાયરલ થયા છે જેમાં તેઓ પાસે કોઈ હોદ્દો ન હોવા છતાં સત્તાની રૂહે તેઓ પ્રમુખની જગ્યાએ કામ કરી રહ્યા છે અને સાથે સાથે કેટલાક સ્થળે જાતે જ જઈ જે તે વિકાસના કાર્યોનું લોકાર્પણ જેવી કામગીરીઓ પણ કરતા નજરે પડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાયરલ થયેલ આ પ્રકારના વીડિયો બાદથી માનસિંગભાઈ વસાવા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, અને લોકો પૂછી રહ્યા છે કે શુ પત્નીના હોદ્દાનો આપ આ પ્રકારે ઉપયોગ કરી શકો છો..? આ પ્રકારના કાર્ય કરવા અંગેની સત્તા તમને કોણે આપી છે..? પ્રમુખની ગેરહાજરીમાં તમે ક્યા હોદ્દાનો ઉપયોગ કરી તમારી કામગીરી કરો છો..? હાલ આ તમામ બાબતો અને સવાલો વાયરલ વીડિયો બાદથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744