ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, રાજ્યમાં ચૂંટણી અંગેની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ તરફ થી ગમ્મે તે સમયે કરાઇ શકે છે, તેવામાં વિવિધ રાજકીય પક્ષોમાં ઉમેદવાર તરીકે ઉભા રહેવા માટે ઉચ્ચ કક્ષાઓ સુધી છેડાઓનું જોડાણ શરૂ થઈ ચૂક્યું છે, તેવામાં ભરૂચ જિલ્લાની પાંચ પૈકી બે થી ત્રણ વિધાનસભા બેઠકો ઉપર ન ધાર્યા હોય તેવા નામો ટીકીટ મેળવવા માટે તલ પાપડ બન્યા છે. તેવામાં ભાજપ, કોંગ્રેસ, આપ જેવી પાર્ટીમાં ઉમેદવારો લિસ્ટમાં કેટલાક વર્તમાન ચર્ચાસ્પદ તો કેટલાક ન ધાર્યા હોય તેવા નામો લગભગ નક્કી થઇ ચુક્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તમામ રાજકીય પાર્ટીઓના સંભવિત ઉમેદવારોના નામો પ્રદેશ કક્ષાએથી દિલ્હીના સેન્ટ્રલ દરબારો સુધી પહોંચી ચુક્યા છે. સૂત્રોનું માનવામાં આવે તો આ વખતની ચૂંટણીઓમાં એક બેઠક પરથી ત્રણ ત્રણ નામો પાર્ટી દફ્તરો સુધી પહોંચ્યા છે, તેમાં પણ વિવાદિત યાદી હોય તો અન્ય નામો પણ કેટલાક પક્ષ તરફથી મંગાવવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. દિલ્હી દરબાર સુધી પહોંચેલી યાદી બાદ જે તે બેઠકો પર હું છું કે નથી તેવી બાબતોની ચર્ચાઓ સાથે સતત ટેલિફોનિક અથવા તો પોતાના ગોડ ફાધરોના સતત સંપર્કમાં કેટલાય નેતાઓ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
-કંઈ કંઈ બેઠક પર બદલાવ જોવા મળશે..?
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી ત્રણ વિધાનસભા બેઠક પર આ વખતે ચૂંટણીના જંગમાં કંઇક નવા જ નામાંકિત ચહેરાઓ જોવા મળી શકે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે, જેમાં ખાસ કરી ભરૂચ, જંબુસર અને વાગરા બેઠક પર ઉમેદવાર તરીકેના નામો જે તે કાર્યાલયોમાં પહોંચતા આ બેઠકો ઉપર ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. તો અંકલેશ્વર બેઠક પર પણ રાજકીય પક્ષો વચ્ચે ટફ ફાઇટ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, તો ઝઘડિયા બેઠકના સમીકરણોમાં પણ આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોના નામોને લઈ નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. મહત્વની બાબત છે કે મોટાભાગના રાજકીય પક્ષો દિવાળી બાદ એટલે કે લાભ પાંચમના દિવસો આસપાસ પોતાના ઉમેદવારોની સત્તાવાર લિસ્ટ જાહેર કરી શકે છે,તેવું સુત્રોનું માનવું છે.
-શુ વર્તમાન ધારાસભ્યમાંથી કોઈની ટીકીટ કપાઇ શકે છે ?
ભરૂચ જિલ્લામાં હાલ પાંચ વિધાનસભા પૈકી ત્રણ બેઠકો ભાજપ પાસે એક બેઠક કોંગ્રેસ અને એક બેઠક બીટીપી પાસે છે ત્યારે વર્તમાન ધારાસભ્યોમાંથી પણ કોઇ એક કે બે બેઠકો ઉપર નવાજુનીના એંધાણ સર્જાઈ શકે છે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે, તેવામાં હાલ કોને મળશે ટીકીટ અને કોણ કપાશે તેવી બાબતો ક્રિકેટ મેચના સ્કોરની જેમ ઉમેદવારોથી લઇ કાર્યકરો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે.
-સંભવિત નામોનું લિસ્ટ હોટ સીટ સુધી પહોંચતા જ નારાજગીઓનો દોર શરૂ થયો છે..?
મોટાભાગની રાજકીય પાર્ટીઓના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ રાષ્ટ્રીય સ્ક્રીનીંગ કમિટીઓ સુધી પહોંચી ચુક્યા છે, તેવામાં એ લિસ્ટમાં કોના કોના નામો છે અને એમાં પણ મારુ કંઇક આવશે કે નહીં તેવી બાબતો સાથે સંભવિત ઉમેદવારો હાલ મુંજવણમાં છે તો બીજી તરફ જે તે પક્ષોમાં દાવેદારી નોંધાવનારા નેતાઓ પણ ચાતક નજરે આખે આખા આ ચૂંટણીના ચક્રવ્યૂ ઉપર નજર રાખી બેઠા છે, તેવામાં સત્તાવાર જાહેરાત બાદ અસંતોષનો દોર પણ કેટલીક પાર્ટીઓમાં જોવા મળે તેમ અત્યારથી જ રાજકીય વર્તુણોમાં અને કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744