ભરૂચ ખાતે નર્મદા નદી પર આવેલ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેમ એક બાદ એક અનેક ઘટનાઓ બ્રિજ પર બની રહી છે, જ્યાં જીવનથી કંટાળી લોકો મોતની છલાંગ લગાવતા હોવાના કિસ્સાઓમાં વધારો થયો છે. આજ પ્રકારની એક ઘટના ગત રાત્રીના સમયે સામે આવી હતી, જ્યાં એક સુરતના યુવકે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી.
સુરતના વેલન્ઝા ગામ ખાતેના શિવ બંગલો વિસ્તારમાં રહેતા અલ્પેશ ગાંડા ભાઈ કથરોટિયા ઉ.વ ૪૦ નાઓ પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ તેઓને માથે દેવું વધી જતાં તેઓએ કંટાળી જઈ ભરૂચ ખાતે આવી પહોંચી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. જોકે નર્મદા મૈયા બ્રિજથી ૧ કિલોમીટર સુધી પાણીમાં તેઓ તણાયા હતા અને અંકલેશ્વરના ખાલપીયા નજીક બુલેટ ટ્રેન પ્રોજેકટની ચાલતી કામગીરીના પીલ્લરો પકડી લીધા બાદ બચાવ બચાવની બૂમરાણ કરી હતી.
અલ્પેશ ભાઈને ડૂબતા જોઈ ત્યાં ઉપસ્થિત કામદારો એ તાત્કાલિક તેઓને પાણમાંથી સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા અને તેઓનો જીવ બચાવ્યો હતો સાથે જ ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ અને સામાજીક કાર્યકર્તા ધર્મશ સોલંકીને કરતા તેઓએ યુવક પાસે જઇ સમજાવી તેઓને સલામત રીતે પોતાના ઘરે મોકલ્યા હતા.
હારૂન પટેલ : ભરૂચ
મો. : 9925222744