વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર બે દિવસ અગાઉ સાંજના સમયે ખેરગામ નજીક હુમલો થયો હતો, ખેરગામના એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો, ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો, જેમાં ધારાસભ્ય લોહી લુહાણ થયા હતા, જેને લઇ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઘટના અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો.
આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય છેલ્લા કેટલાક સમયથી પાર તાપી પ્રોજેકટ જેવા આંદોલન થકી ચર્ચાઓમાં આવ્યા હતા. વિરોધને વધતા જતા આખરે તંત્રએ ધારાસભ્ય આગળ ઝુકવું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, આગામી સમયમાં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવામાં હવે ગુજરાતનું રાજકીય માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યું છે, ખેરગામના ભર બજારમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થતા હવે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે.
કોંગ્રેસે સત્તધારી પાર્ટી ભાજપ સામે બાયો ચઢાવી છે, અને ભાજપના જ સ્થાનિક અગ્રણી નેતાઓએ આ હુમલો કર્યો છે તેવા આક્ષેપ કર્યા હતા, સાથે જ ગુજરાતમાં જો ધારાસભ્ય જ સુરક્ષિત ન હોય તો આમ જનતા શુ સુરક્ષિત હશે તેવું પણ જણાવ્યું હતું, અને ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલાના આરોપીઓને વહેલી તકે પોલીસ વિભાગ ઝડપી તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉચ્ચારવામા આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, ન.પા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સહિતના કોંગી આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744