ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આગામી ૧૦ ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકાસના વિવિધ કાર્યનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવનાર છે, જેને લઇ આમોદ ખાતે પી.એમ મોદીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ કાર્યક્રમ સ્થળે વરસાદનું વિઘ્ન નડયું હોવાનું સામે આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક સ્થળે વાદળ છાયું વાતાવરણ અથવા વરસાદ વરસી શકે છે જે બાદ આમોદ પંથકમાં છેલ્લા ૨૪ કલાકથી વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ તાલુકાના કેટલાય વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્થળે સભા કરવાના છે તે સ્થળે પણ ગતરાત્રીના સમયે વરસાદ વરસતા આજે સવારથી સભા સ્થળ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
કાર્યક્રમ સ્થળે કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલું જોઈ તંત્રમાં દોડધામ મચી હતી તેમજ કાર્યક્રમ સ્થળે ફરીથી કામગીરી શરૂ કરી વરસાદના વિઘ્ન બાદ થયેલ સ્થિતિને સુધારવા માટેની મથામણ કરવાનો વારો આવ્યો હતો. આમ આમોદ પંથકમાં જામેલા વરસાદી માહોલ બાદ પી.એમ મોદીના સભા સ્થળની તૈયારીઓમાં વિઘ્ન ઉભું કર્યું હતું.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744