પૂર્વ ધારાસભ્ય અને ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ મહંમદભાઇ ફાંસીવાલાના દુખદ અવસાનના સમાચાર ભરૂચ જિલ્લામાં પ્રસરતા ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ સમાજ સહિત તમામ સમાજના લોકોમાં ભારે ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.કરમાડ ખાતે તેમની દફન વિધિ બાદ આજ રોજ ભરૂચ પટેલ વેલફેર હોસ્પીટલ ખાતે મર્હુમ મહંમદભાઇ ફાંસીવાલાની પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી.જેમની પ્રાર્થના સભામાં કોંગ્રેસના અનેક દિગ્ગ્જો સહિત અહમદભાઇ પટેલ, અર્જુન મોઢવાડીયા,શંકરસિંહ વાઘેલા,વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા,ખુમાનસિંહ વાંસિયા,ભરૂચ કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા ખાસ ઉપસ્થીત રહી શોકાંજલી અર્પી હતી.
ભરૂચ પટેલ વેલફેર હોસ્પીટલના આદ્યસ્થાપક અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના મોભી તથા સમાજની, કોમની અને સમગ્ર ભરૂચ જીલ્લાની કોમી એકતાના પ્રખર હિમાયતી અને વિતેલા દસકામાં રાજકારણમાં સક્રિય રહી કાઠુ કાઢનાર વડીલ મહંમદભાઇ ફાંસીવાલા તમામ સમાજના લોકોમાં ખુબ જ લોકપ્રિય હતા તેઓએ પોતાના જાહેર જીવનમાં ઘણા સમાજ ઉપયોગી કાર્યો કરી લોકોના હૈયાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
ભરૂચ જિલ્લાના રાજકારણ ક્ષેત્રે સુવિખ્યાત નામી– અનામી વ્યક્તિઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ પ્રાર્થના સભામાં જોડાઇને મર્હુમને ખિરાજે અકિદત (શ્રધ્ધાંજલી) અર્પણ કરી હતી.
અહમદભાઈ પટેલે પ્રાર્થનાસભામાં શોકાંજલી આપતા જણાવ્યું હતું કે, મર્હુમ મહંમદભાઇ ફાંસીવાલાએ બે ટર્મ સુધી ભરૂચનાં ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીને જનતાનાં અવાજને તેમણે વાચા આપી અનેક લોકહિતના કાર્યો કરી કોંગ્રેસનો દબદબો જાળવ્યો હતો. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી. માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહિ પરંતુ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલનાં પ્રમુખ અને આદ્યસ્થાપક તરીકે, ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના પૂર્વ ડિરેકટર, એ.પી.એમ.સીના ચેરમેન રહી ચૂકેલા મર્હુમ મંમદભાઇએ આરોગ્ય ક્ષેત્રે અને શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી સ્વાસ્થય અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સમાજ પરત્વેનું પોતાનું ઋણ અદા કર્યું છે. તેઓના નિધનથી જિલ્લાએ એક સક્ષમ નેતા ઉપરાંત ઉમદા-વ્યક્તિને ગુમાવ્યા છે જેમની ખોટ સદાયે વર્તાતી રહેશે. અલ્લાહ તેઓને જન્ન્ત નસીબ કરે એવી પ્રાર્થના.