ભરૂચ-દહેજ માર્ગ પર ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ બાદથી આખે આખો માર્ગ બિસ્માર બન્યો છે. માર્ગ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો સહિત સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે, ઠેરઠેર બિસ્માર બનેલા માર્ગને કારણે ખાડાથી બચવા વાહન ચાલકો ક્યાંક રોંગ સાઇડ તો ક્યાંક જેમ તેમ ગાડીઓ ચલાવી રહ્યા હોય તેમ નજરે પડતા હોય છે, જેને લઇ અવારનવાર આ માર્ગ પર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે.
બિસ્માર બનેલા રોડનું તંત્ર દ્વારા રીપેરીંગ કાર્ય હાથ ન ધરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, રસ્તાની કામગિરી સામે નિંદ્રામાં રહેલ તંત્રને જગાડવા માટે હવે સ્થાનિકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આજે સવારથી ભરૂચ-દહેજને જોડતા માર્ગ પર આવેલ ટોલ ટેક્ષ નજીક સ્થાનિક ગામોના રહીશોએ વાહનોની અવરજવર રોકી દઈ વહેલી તકે માર્ગ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
મહત્વની બાબત છે કે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ આ ચક્કાજામના કારણે સવારથી જ ભરૂચ દહેજ નોકરિયાત વ્યક્તિઓ અટવાઈ પડ્યા હતા, દહેજ માર્ગ પર ઠેરઠેર વાહનોના પૈડા થંભી જતા સ્થાનિક પોલીસ વિભાગ પણ દોડતું થયું હતું તેમજ આંદોલન કરી રહેલા સ્થાનિકોને સમજાવટની કવાયત હાથધરી હતી. બિસ્માર માર્ગનું રીપેરીંગ કાર્ય નહિ કરવામાં આવતા હવે સ્થાનિકો તંત્ર સામે લાલઘૂમ થયા છે તેવામાં હવે તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744