વડોદરા – ભરૂચ વચ્ચે પાલેજ રેલવે સ્ટેશન પર કોરોના કાળ દરમિયાન બંધ થયેલી ગુજરાત એકસપ્રેસ ટ્રેનનું પુનઃ સ્ટોપેજ મળતા પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શુક્રવારના રોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીએ ગુજરાત એકસપ્રેસ ટ્રેન પાલેજ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા ફુલહાર કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. કોરોના કાળ બાદ ટ્રેન બંધ થતા રોજિંદા અપ ડાઉન કરતા નોકરિયાતો તેમજ વ્યવસાય અર્થે ભરૂચ તેમજ સુરત સુધી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી.
સ્થાનિક ભાજપાના આગેવાનો, સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ રેલ મંત્રાલય સુધી રજુઆત કરતા પાલેજ ખાતે પુનઃ સ્ટોપેજ મળ્યું છે. મીડિયા સમક્ષ નિવેદનમાં સાંસદે જણાવ્યું હતું કે દાદર – અજમેર ટ્રેન માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે ટુંક સમયમાં દાદર – અજમેર ટ્રેન પણ પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ મળશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે શેડનો જે પ્રશ્ન છે તે પણ હલ થશે એમ તેઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે ભાજપાના જિલ્લા મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, પાલેજ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, પાલેજ તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744