ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોંધાઈ રહ્યો છે, એમાં પણ દહેજ બાયપાસ રોડ ઉપર અકસ્માતની ઘટનાઓ સતત બનતા મઢુલી ચોકડીથી લઇ દહેગામ ચોકડી સુધીનો વિસ્તાર અકસ્માત જોન બનતો જઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વિસ્તારમાં સતત બની રહેલ અકસ્માતોની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.
ભરૂચના શેરપુરા ગામ નજીક ગત રાત્રીના સમયે આજ પ્રકારની અકસ્માતની એક ઘટના સામે આવી હતી જેમાં બેકાબુ બનેલ ટ્રકના ચાલકે નજીકના ડિવાઇડર પર ટ્રક ચઢાવી દેતા એક સમયે ભારે દોડધામ મચી હતી. જોકે અકસ્માતની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દહેજ બાયપાસ રોડ પર ખરાબ રસ્તા અને યોગ્ય સ્થાને સ્પીડ બ્રેકરના અભાવના પગલે છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે જેને લઇ થોડા સમય પહેલા પણ ખાનગી લકઝરી બસના ચાલકની અડફેટે એક બાળકીએ જીવ ગુમાવ્યો હતો તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા, તેવામાં વધતા જતા આ પ્રકારની અકસ્માતની ઘટનાઓને ડામવા માટે તંત્રએ પણ મંથન કરવાની જરૂર જણાઈ રહી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744