ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે 7272 દીકરીઓના ખોલાયેલા સુકન્યા સમૃદ્ધિ ખાતાનો પાસબુક વિતરણ સમારોહ યોજાયો હતો.
ગુજરાતના પનોતા પુત્ર અને લોક લાડીલા હૃદય સમ્રાટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 મા જન્મદિવસ નિમિતે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું અભિયાન ભરૂચ જિલ્લામાં ઉપડવામાં આવ્યું હતું.
જનજાગૃતિ અને જિલ્લાની જરૂરીયાતમંદ દિકરીઓ માટે અભિયાનના પ્રેરક ભાજપ પ્રદેશ પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારના પ્રયત્નો તેમજ સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ સેવા અભિયાન સફળ રહ્યું હતું.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના સંયુકત ઉપક્રમે દાતાઓના સહયોગથી મળેલી રૂપિયા 72.72 લાખની ધનરાશિથી ખાતા દીઠ 1000 રૂપિયા જમા કરી 7272 દીકરીઓના ખાતા ખોલાયા હતા. દિકરીઓ આત્મનિર્ભર બને એ ભાવના સાથે તેમનુ સન્માન થાય એ હેતુથી પાસબુક વિતરણ સમારંભ આજે શનિવારે પ્રદેશ ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ભરૂચ જિલ્લા ભાજપ અને અસ્મિતા વિકાસ કેન્દ્રને આ અભિયાન માટે અભિનંદન પાઠવ્યા હતા. અને કહ્યું હતું કે, 7272 નો આંક તો એક પડાવ છે, આપણી મંજિલ જિલ્લાની 10 વર્ષ સુધીની તમામ દીકરી છે જેના સુકન્યા ખાતા ખુલવા જોઈએ. જિલ્લાના તમામ ધારાસભ્યોને પણ તેમણે પોતાના મત વિસ્તારમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ દરેક દીકરીને મળે તે માટે ટકોર કરી હતી સાથે જ વિધાનસભા ચૂંટણી આવી રહી હોય ત્યારે ટિકિટ માટે આવતા ઉમેદવારોએ કેટલા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા તેની માહિતી પણ મેળવીશ તેવી પણ પ્રદેશ પ્રમુખે આ તબક્કે માર્મિક વાત કરી હતી. એક દીકરી પરિવારમાં હોવી જ જોઈએ જેના ઉપર ભાર મુકી તેમણે દીકરીનું સંતુલન જાળવી અસલામત સમાજ બનતો અટકાવવા અનુરોધ કર્યો હતો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુકન્યા યોજના હોય કે વિમાં યોજના કે પછી ફ્રી વેકસીન કે 80 કરોડ લોકોને અનાજ વિતરણ દરેક પ્રતિબદ્ધતાથી કરી રહ્યા છે, આ કોઈ રેવડી નથી તેવી ટકોર હાલના ચૂંટણી વાતાવરણને લઈ કરી હતી.
સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક વિતરણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, વિધાનસભા ઉપદંડક દુષ્યંત પટેલ, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બોડાણા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા પ્રદેશ મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, ખુમાનસિંહ વાસીયા, ધર્મેશભાઈ મિસ્ત્રી, નિશાંતભાઈ મોદી, પિયુષભાઈ પટેલ, પોસ્ટ અધિક્ષક આર.બી.ઠાકોર સહિતની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાતાઓ ત્રાલસા અસ્મિતા કેન્દ્રના પ્રવીણ પટેલ (અમેરિકા) દ્વારા ₹20 લાખ આપવા બદલ યશવંત પટેલ, સમીર પટેલ, મનીષાબેન ત્રિવેદી અને પીયૂષભાઈનું સન્માન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય દાતાઓના યોગદાન બદલ પાણેથાના અતુલભાઈ પટેલ, ઘનશ્યામ પટેલ, યુપીએલ કંપની, જે.ડી.પંચાલ, દહેજ ઇન્ડસ્ટડીયલ એસો., પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસો, અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીઝ સહિત વિવિધ કંપનીઓની પણ સન્માન કરવામાં આવ્યું હતું.