ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં ઠેરઠેર માર્ગો બિસ્માર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જિલ્લાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગો ઉપર પણ મસ મોટા ખાડા પડવાના કારણે રસ્તાઓ ઉપરથી વાહનો લઈને અથવા ચાલીને પણ પસાર થવું મુશ્કેલીઓ સમાન લોકો માટે બન્યું હતું, જે બાદ હવે મોડે મોડે જાગેલું વહીવટી તંત્ર લોકોના આક્રોશ બાદ જાગૃત બન્યું હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચના દેરોલ ગામથી વિલાયત જીઆઇડીસી અને વાગરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર આજે સવારથી જ જે તે લાગતા વળગતા તંત્રના વિભાગ દ્વારા રસ્તાનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તા રીપેરીંગના કાર્યમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના આક્ષેપ સ્થાનિક સોશિયલ એક્ટિવિસ્ટ ઇમ્તિયાઝ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ માર્ગ બનાવવામાં વપરાશમાં લેવામાં આવતા ડામરમાં પણ ભેળસેર કરી તેને પાથરી કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.
મહત્વની બાબત છે કે દેરોલથી વાગરાને જોડતા મુખ્ય માર્ગ પર દેરોલ ચોકડી વિસ્તારોમાં જ તંત્ર દ્વારા થતી આ પ્રકારની તકલાદી કામગીરી સામે લોકોએ સવાલો ઉભા કરી જે તે વિભાગ દ્વારા કરવામાં આવતી આ પ્રકારની કામગીરીને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન ઉપર લઇ ત્વરિત આ પ્રકારે હલકી ગુણવત્તા વાપરનાર તંત્રના કર્મીઓ સામે તપાસ કરવામાં આવે તેવી સ્થાનિક જાગૃત નાગરિકોએ માંગ ઉચ્ચારી છે.
હારુન પટેલ : ભરૂચ
મો : 99252 22744