આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઇ રહી છે, વિવિધ રાજકિય પક્ષના કાર્યલાયોમાં ચૂંટણીની રણીનીતિઓ અત્યારથી ઘડવામાં આવી રહી છે, આગામી ચૂંટણીઓમાં મતદારો વચ્ચે પક્ષને મજબૂત કરવા અને પોતાના પક્ષ વધુમાં વધુ ઉમેદવારોને વિજય બનાવવા માટે બુથથી લઇ પ્રદેશ કક્ષા સુધીના કાર્યકરો અને હોદ્દેદારોને જે તે પાર્ટીના અગ્રણી નેતાઓએ અત્યારથી કામે લાગી જવા અંગેના સૂચનો કરી દીધા છે.
રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ આમ તો ગ્રાઉન્ડ ૦ પર ઉતરી લોકો વચ્ચે ગયા બાદ જામતો હોય છે, પરંતુ કેટલાય રાજકીય પક્ષો એ તો પોતાના પક્ષને હવે સોશિયલ મિડિયામાં પણ મજબુતીથી કામ કરવા માટે કાર્યકરોને હાકલ કરવી પડે તેવી સ્થિતિનું સર્જન વર્તમાન સમયમાં થયું છે, તેવામાં હવે વિવિધ રાજકીય પક્ષો પોતાના પક્ષના પ્રચાર પ્રસાર થતા વીડિયો અને ફોટો તેમજ વિરોધી પાર્ટીની ટીકા કરી મતદારોમાં પોતાના પક્ષને કઈ રીતે આકર્ષવા તે પ્રકારની રણીનીતિ ઘડી કાઢી આખે આખી પોતાના પક્ષોની સોશિયલ મિડિયા આર્મીને કામે લગાડી મૂકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વિવિધ પક્ષના રહેલા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો અને સભ્યો અગામી ચૂંટણી સુધી પોતાના પક્ષ તરફી વાતાવરણ ઉભું કરવા માટે રાત દિવસ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા થયા છે તેમજ દરેક મુદ્દે સતર્કતા દાખવી ટીકા ટીપ્પણી કરવા સાથે સામે પક્ષને કઇ રીતે ઘેરી શકાય તેમજ સોશિયલ મિડિયામાં રહેલા અન્ય યુઝર્સના મનમાં પોતાના પક્ષની છબી કઈ રીતે સારી બતાડી શકાય તેવા પ્રયત્નોમાં હાલ રાજકીય પક્ષોએ પોતાના સોશિયલ મિડિયા આર્મીના સભ્યોને સ્પેશિયલ કલાસ આપી માહિતીગર કરી અત્યારથી ચૂંટણી સુધી કામે લગાડ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
મહત્વની બાબત છે કે વર્તમાન ડીજીટલ યુગમાં મતદારોમાં પોતાના પક્ષ પ્રત્યે આકર્ષણ ઉભું કરવું રાજકીય પક્ષો માટે ખૂબ સહેલું થઇ ગયું છે, જેમાં કેટલાય રાજકીય પક્ષો સોશિયલ મિડિયાના સહારો લઇ ભીડ ભેગી કરવા તેમજ પોતાના પક્ષે કરેલા કામો સહિત જે તે ઉમેદવારની છબી સારી દર્શવવા સાથે ચૂંટણીના રણમાં સફળ પણ થતા આવ્યા છે, તો કેટલાય પક્ષો એ ભૂતકાળમાં સોશિયલ મિડિયાના માહોલને નજર અંદાજ કરવાથી સત્તા ઘુમાવી હોવાના પણ કિસ્સાઓ સાંભળવામાં આવ્યા છે, ત્યારે હવે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં જે તે પક્ષો સોશિયલ મીડિયામાં પણ હવે કોઇ કચાસ બાકી ન રહે તેવી રણીનીતિ ઘડીને આગળ વધવા માટે કાર્યકરોને અત્યારથી જ સૂચનો આપી કામે લગાડી મૂક્યા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744