ગણતરીના સમયગાળામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજવવા જઇ રહી છે, તે પહેલાં જ કેટલાક રાજકીય પક્ષોમાં પોતાના માનીતા દાવેદારોને પાર્ટી ટીકીટ આપે તે પ્રકારના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે, આ વખતે આને ચાન્સ આપો તથા હવે આ ઉમેદવાર નહિ ચાલે તેમજ જીતવું હોય તો આને તો આપવી જ પડશે તેવી બાબતો અંગેની ચર્ચાઓ રાજકીય પાર્ટીના કાર્યાલયોમાં ગુંજતી થઇ છે.
ભરૂચ જિલ્લામાં પણ પાંચ વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારી કરવા દાવેદારોનો રાફડો ફાટ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ભરૂચ અને વાગરા બેઠક પર ઉમેદવારી કરવા વધુ સંખ્યામાં દાવેદારી થઈ રહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, પોતાના માનીતા ઉમેદવારને જ ટીકીટ મળે તે પ્રકારનું લોબિંગ પણ કેટલીક પાર્ટીના આંતરિક જૂથો કરી રહ્યા હોવાનુ પણ ચર્ચાઈ રહ્યું છે, જુના ઉમેદવારોના પત્તા કટ થાય અને નવાને આગળ કરી ચાન્સ આપવા જેવી બાબતો પણ રાજકીય ગોડ ફાધરો સુધી પહોંચવાની શરુઆત થઇ ચુકી હોય તેમ માનવામાં આવી રહ્યું છે.
રાજકીય વાતાવરણ જામતા જ જુના ઉમેદવારો પણ પોતે આ વખતે સક્ષમ છે અને જીતી લાવીશું તેવી વાતો પોતાના સમર્થકો વચ્ચે કરતા નજરે પડી રહ્યા છે, તો જિલ્લામાં વર્તમાન ધારાસભ્યો પોતાનું નામ ફાઇનલ જ છે તેમ અત્યારથી જ ચૂંટણીની રણનીતિ તૈયાર કરી પોતાનું કાર્ય આગળ વધારી રહ્યા છે, તેવામાં હવે જોવું રહ્યું કે ભરૂચ જિલ્લાના રાજકીય માહોલમાં આગામી ચૂંટણીઓમાં શુ ભાજપ પોતાના વર્તમાન ધારાસભ્ય રિપીટ કરશે..? કે પછી નવા ચહેરાને તક મળશે.? તેવી બાબતો ભાજપમાં આંતરિક જૂથોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
તો બીજી તરફ કોંગ્રેસ, આપ, એમ.આઈ.એમ સહિતના પક્ષના બેનર હેઠળ પણ ચૂંટણી લડવા માટે દાવેદારોની સંખ્યામાં ગત ચૂંટણીઓ કરતા આ ચૂંટણીમાં વધી હોય તેમ લાગી રહ્યું છે, કેટલાક પક્ષે તો અંદર ખાને કેટલાક દાવેદારોને તમે ફાઇનલ છો કહી અત્યારથી જ કામે લાગી જવા સુધ્ધાની બાહેધરી આપી હોવાનુ પણ રાજકીય પંડિતોમાં ચર્ચાઇ રહ્યું છે. તેવામાં હવે જોવું રહ્યું કે જે તે પાર્ટીઓમાં ઉમેદવારો સત્તાવાર જાહેર થયા બાદ રાજકીય પક્ષોનો આંતરિક રોષ સામે આવે છે કે પછી પક્ષ જે ઉમેદવાર ઉભો રાખે પાર્ટી માટે કામ કરી હોદ્દેદારો અને કાર્યકરો પોતાના ઉમેદવારને જીત આપવે છે, તે તો આવનારા સમયમાં જ ખબર પડે તેમ છે.
હારુન પટેલ : ભરૂચ