ભરૂચ ખાતે જિલ્લાના સ્ટાર્ટઅપ રોડમેપ એન્ડ ફ્રેમવર્કની પ્રથમ શ્રેણી અંતર્ગત સેન્સીટાઇઝેશન વર્કશોપ ફોર વુમન લેડ સ્ટાર્ટ અપ, વર્કશોપ ફોર સ્ટાર્ટ અપ હેવીંગ રૂરલ ઇમ્પેક્ટ અને વર્કશોપ ફોર પોટેન્શીયલ ઈન્વેસ્ટર્સ ઓફ સ્ટાર્ટ અપની ત્રણ શિબિરો યોજવામાં આવી હતી. જેના અંતર્ગત જિલ્લામાં પ્રથમવાર સ્ટાર્ટ અપ ડેમો ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્કશોપ ફોર સ્ટાર્ટ અપ હેવીંગ રૂરલ ઇમ્પેક્ટ અને વર્કશોપ ફોર વુમન લેડ સ્ટાર્ટ અપમાં જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા ઇનર વ્હીલ ક્લબ અને આઈ હબના સહયોગથી મહિલાઓને સ્ટાર્ટ અપ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ માટે સરકારની ઔધોગિક નીતી અને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ પોલિસી કઈ રીતે મદદરૂપ થઈ શકે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સોશિયલ સ્ટાર્ટ અપ મુદ્દે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ફૂટવેર ડિઝાઇન ડેવલપમેન્ટ ઇન્સ્ટીટ્યુટની વિધાર્થીનીઓ, સખીમંડળના બહેનો, આરસેટીના તાલીમાર્થી બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે વર્કશોપ ફોર પોટેન્શીયલ ઈન્વેસ્ટર્સ ઓફ સ્ટાર્ટ અપની શિબિરમાં જિલ્લા ઉધોગ કેન્દ્ર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એશોસીએશન દ્વારા રોકાણકારો અને સ્ટાર્ટ અપ વચ્ચે ડેમો ડેનું આયોજન કરી સેતુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં સ્ટાર્ટ અપમાં રોકાણની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિવિધ ક્ષેત્રના ત્રણ સ્ટાર્ટ અપે પોતાના ઇનોવેટિવ બિઝનેસ આઇડિયા સાથે પ્રોટેટાઈપ રજૂ કર્યા હતા. રોકાણકારોને પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. વરુક્ષા લેબોરેટરીઝ દ્વારા એક્ટિવ ફાર્મા ઇંગ્રેન્ડીયન્ટ થકી ચીન પર રહેલા આયાત અવલંબનને ઘટાડવા બાબતે પ્રેઝન્ટેશન થયું હતું. ઈન્ટેલિકર્ટ પ્રા. લિમિટેડ દ્વારા આગને તેમના નવા પ્રોડક્ટ ફાયર કર્ટન થકી કાબુમાં કઈ રીતે રાખી શકાય તેની પેટન્ટેડ પ્રોડક્ટની સમજ આપવામાં આવી હતી. કેડેરોલ લી.એ પોતાના સ્ટાર્ટ આપની પ્રોડક્ટ થકી કુપોષણને કઈ રીતે નાથી શકાય તે અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમીતા મંત્રાલયના કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરના હસ્તે ભરૂચ જિલ્લાના સ્ટાર્ટ અપ રોડમેપ એન્ડ ફ્રેમવર્કને લોન્ચ કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત જીલ્લામાં સ્ટાર્ટ અપને વેગ આપવાના ભાગ રૂપે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવનાર છે. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લાની નોડલ કચેરી જિલ્લા ઉધોગ કેન્દ્ર, ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશન, ઇનર વ્હીલ ક્લબ, આઈ હબ અને મહાત્મા ગાંધી નેશનલ ફેલો નીરવ સંચાણીયાએ જહેમત ઉઠાવી હતી.