ભરૂચ જિલ્લામાં પ્રેમ સબંધમાં આવેલ ખલેલના કારણે બે જિંદગીઓએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ છેલ્લા ૧૨ કલાકમાં સામે આવી છે, જેમાં એક યુવતી અને એક યુવકનું ડૂબી જતાં મોત નીપજ્યું છે, જે બાદ અંકલેશ્વર સીટી પોલીસ અને ભરૂચ રૂરલ પોલીસે મામલા અંગેના ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રથમ ઘટનાની વાત કરીએ તો ભરૂચના વાગરા તાલુકાના જોલવા ગામ ખાતેની યુવતી છેલ્લા કેટલાક દિવસોથી ઝઘડિયાના ઉમલ્લા ગામ ખાતે તેના મામા ત્યાં રહેતી હતી તે જ દરમિયાન ગામના એક યુવાન સાથે તેની આંખ મળી જતા તે તેના પ્રેમમાં પડી હતી, આ ઘટનાની જાણ જોલવા ખાતે યુવતીના પરિવારજનોને થતા તેના માં બાપ એ યુવતીને માર માર્યો હતો અને બાદમાં ઉમલ્લાથી જોલવા ખાતે રીક્ષા મારફતે યુવતી લઇને ઘરે જઈ રહ્યા હતા.
દરમિયાન ભરૂચ તાલુકાના દશાન ગામ ખાતે અચાનક રીક્ષા બગડતા યુવતીએ તેની માતાને બાથરૂમ જવું છે તેમ જણાવી નજીકમાં આવેલ ઝાડીઓમાંથી ભાગી છૂટી હતી તે દરમિયાન તેના માં બાપ તેની પાછળ દોડતા ઝાડીઓની પાછળના ભાગે આવેલ તળાવ યુવતીને ન દેખાતા તે તળાવમાં પડી જતા ડૂબી ગઇ હતી, જે બાદ માતા પિતાની ઘણી શોધખોળ બાદ પણ યુવતીનો કોઈ પટ્ટો લાગ્યો ન હતો, ઘટનાના ૪ દિવસ બાદ આખરે યુવતીનો મૃતદેહ ડી કમ્પોઝ હાલતમાં તળાવ બહાર આવતા ઘટનાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતા તેઓએ સ્થળ પર પહોંચી જઈ મામલા અંગે ભરૂચ રૂરલ પોલીસ મથકે જાણ કરી મૃતકની લાશની પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસે મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આજ રીતે અન્ય એક ઘટના ભરૂચ,અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી સામે આવી હતી, જ્યાં પ્રેમિકાની સામે જ પ્રેમીએ નર્મદા નદીમાં છલાંગ લગાવતા કલાકોની જહેમત બાદ પણ યુવકની શોધખોળ ચાલી રહી છે, પ્રાપ્ત માહિતી અનુસાર એમ.પી ની યુવતી સાથે બે માસ પહેલા પ્રેમ થઈ જતા યુવતી તેના માં બાપને છોડી તેના પ્રેમી સાથે અંકલેશ્વરના કોસમડી ખાતે બંનેની સહમતીથી રહેવા લાગ્યા હતા, ગત મોડી સાંજે ૨૪ વર્ષીય પુષ્પરાજ કાલિદાસ પ્રજાપતિ તેની પ્રેમિકા સાથે નર્મદા મૈયા બ્રિજ ખાતે આવી પહોંચ્યો હતો.
નર્મદા મૈયા બ્રિજ પર આવેલ પુષ્પરાજે તેની પ્રેમિકાની સામે જ કોઈ કારણસર બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવતા તે નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો, દરમિયાન તેની પ્રેમિકાએ બચાવ બચાવની બુમો પાડતા સ્થાનિક સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેઓની ટિમ સ્થળ પર દોડી આવી હતી અને નદીમાં લાપતા બનેલ યુવકની ફાયરના લાશકરોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જે ઘટના બાદ અંકલેશ્વર શહેર પોલીસે પણ સ્થળ પર દોડી જઈ મામલા અંગેની નોંધ લઇ નદીમાં લાપતા બનેલ યુવકની શોધખોળની કવાયત હાથધરી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744