ગુજરાત આંગણવાડી વર્કરના રાજ્યવ્યાપી વિરોધ આંદોલન વચ્ચે ભરૂચ જિલ્લાની બહેનો પણ આજે 8 જેટલા મુદ્દાને લઈ વિફરી હતી. કલેકટર કચેરી ખાતે સેંકડોની સંખ્યામાં આંગણવાડી બહેનોએ ઉમટી મોદી તારી છેલ્લી દિવાળીની નારેબાજી ચલાવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિરોધ, વંટોળ, માંગણીઓ, આવેદનો અને આંદોલનો પણ વધી રહ્યા છે. ખેડૂતો, સરકારી કર્મચારીઓ સહિતના માંગણીઓ મુદ્દે હવે મેદાનમાં ઉતરી રહ્યા છે.
આજે રાજ્યભરમાં એક લાખ જેટલી આંગણવાડી બહેનોએ વિવિધ જિલ્લા મથકે દેખાવો, સુત્રોચ્ચારો કર્યા હતા. ભરૂચમાં પણ કલેકટર કચેરીએ આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ભેગી થઈ આજ દિવાળી, કાલ દિવાળી, મોદી તેરી છેલ્લી દિવાળીની ભારે નારાબાજી કરી હતી. પગાર વધારો, વયમર્યાદા 60 વર્ષની કરવા, યુ.પી. ની જેમ ગેલેક્ષી મોબાઈલ આપવા, પેન્શન, પ્રોવિડન્ડ ફંડ, પોષણ સુધા તેમજ ફેરબદલીની તકના મુદાને લઈ મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારની જેમ નિવૃત્તિ વયમર્યાદા 58 થી 60 વર્ષ કરવા, પેન્શન તેમજ પ્રોવિડડ લાગુ કરવા, પોષણ સુધાના રૂપિયા 19 અપાતા વધારી રૂપિયા 80 કરવા. જિલ્લા તાલુકા ફેરબદલીમાં એક તક આપવા રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રેજ્યુઇટી રકમ સુપ્રીમના આદેશ મુજબ આપવા, સરકારી કર્મચારીઓને મળતું લઘુતમ વેતન ચૂકવવા તેમજ 2019 માં અપાયેલા મોબાઈલ ચાલતા ન હોય સારી કંપની અને ક્વોલિટીના મોબાઈલ આપવા પણ માંગણી કરવામાં આવી હતી.